રાજ્ય સરકારનો સંવેદનાપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શિક્ષકોને 4200 રૂપિયાનો ગ્રેડ પે યથાવત્ રહેશે
- રાજ્યભરના શિક્ષકો માટે મહત્વના સમાચાર
- શિક્ષકોને હવે 4200નો ગ્રેડ પે મળશે
- આ સાથે લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આવ્યો અંત
ગાંધીનગર: રાજ્યભરના શિક્ષકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. 4200 ગ્રેડ પે મામલે શિક્ષકો દ્વારા અનેક રજૂઆતો બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે આજે જાહેરાત કરી છે.
છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને DyCm નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કર્યો છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં રૂપાણી સરકારનો સંવેદનાપૂર્ણ નિર્ણય
– રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે
– સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે pic.twitter.com/TL9SDo7heG— BJP Gujarat (@BJP4Gujarat) December 9, 2020
DyCM નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્નોનોનું નિરાકરણ લવાયું છે. શિક્ષકોના પ્રશ્નોનું સરકાર હંમેશા નિરાકરણ લાવે છે. ત્યારે હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે.
નોંધનીય છે કે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતો 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ 4200 ગ્રેડ પેમ મામલે જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે.
તે ઉપરાંત હવે પ્રમોશન માટે કોઇ પરીક્ષા લેવાની નહીં રહે તેવું પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે વર્ષ 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
(સંકેત)