આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 10 ડીસેમ્બરના રોજ કેમ ઉજવવામાં આવે છે? જાણો તેનો ઇતિહાસ અને આ વર્ષની થીમ
- 10 ડીસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની કરાઈ છે ઉજવણી
- 1948 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારને અપનાવાની કરી હતી ઘોષણા
- આ વર્ષની થીમ ‘રીકવર બેટર-સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ’ છે
મુંબઈ: આજે વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ડે છે. દર વર્ષે 10 ડીસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ અથવા વિશ્વમાં રહેતા દરેક નાગરિકનો અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. ખરેખર 1948માં આજના જ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માનવ અધિકારને સ્વીકારવાની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર રીતે 1950માં સંયુક્ત રાષ્ટ્રએ 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી.
માનવ અધિકાર દિવસની ઉજવણીનો ઉદ્દેશ એ છે કે, વિશ્વના તમામ લોકો સુરક્ષિત મહેસુસ કરી શકે અને ભેદભાવ વિના સ્વતંત્રતાપૂર્વક જીવન જીવી શકે. માનવ અધિકારમાં આરોગ્ય,આર્થિક,સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે.
આ વર્ષની થીમ છે આ
આ વર્ષે માનવ અધિકાર દિવસની થીમ ‘રીકવર બેટર-સ્ટેન્ડ અપ ફોર હ્યુમન રાઇટ્સ’ છે. આ થીમ કોવિડ -19 મહામારીને કારણે ઉત્પન્ન થયેલી સ્થિતિને કારણે રાખવામાં આવી છે. તેનો ઉદ્દેશ તમામ હિતધારકો અને ભાગીદારો સાથે જોડાવાનું અને પરિવર્તનશીલ કાર્યવાહી માટે લોકોને સામેલ કરવું છે. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવએ એક વીડિયો સંદેશ જારી કરતાં કહ્યું છે કે, કોરોના મહામારીનો મુકાબલો કરવા માટેના પ્રયાસો, લિંગ સમાનતા,લોકોની ભાગીદારી, જળવાયુ ન્યાય અને ટકાઉ વિકાસમાં માનવ અધિકારને મહત્વ આપવાની અત્યંત જરૂર છે.
1993 માં ભારતમાં માનવ અધિકાર કાયદો અમલમાં લાવવામાં આવ્યો
ભારતમાં 28 સપ્ટેમ્બર 1993ના રોજ માનવ અધિકાર કાયદાનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ ની રચના કરવામાં આવી હતી. ભારતીય બંધારણના ભાગ-3 માં મૂળભૂત અધિકારના નામ પર માનવ અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાયદામાં આ અધિકારોનું ઉલ્લંઘન કરનારા અથવા દુરુપયોગ કરનારાઓને કાનૂનમાં સજા કરવાની પણ જોગવાઈ છે.
મહત્વનું છે કે,આપણા સમુદાયોમાં માનવ અધિકારના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને મહામારી બાદ પુનઃ નિર્માણ કરવા માટે માનવ અધિકાર દિવસ એ વિશ્વવ્યાપી એકતા માટે એક શ્રેષ્ઠ તક છે.