કોરોનાને કારણે ભારત અને નેપાળ વચ્ચે બબલ વ્યવસ્થાની સાથે ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ થશે
- ભારત અને નેપાળ વચ્ચે ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ થશે
- નવી દિલ્હી અને કાઠમાંડુથી પ્રત્યેક એક ફ્લાઇટ કરાશે શરૂ
- એર બબલ વ્યવસ્થા મેડિકલ પ્રોટોકોલનું કરશે પાલન
મુંબઈ: કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને ભારત કોઈ નમતુ જોખવા તૈયાર નથી. કોરોનાવાયરસને રોકવા માટે સરકાર દ્વારા તમામ પગલા લેવામાં તો આવી રહ્યા છે પરંતુ સાથે સાથે તમામ કામગીરી ફરીવાર રીતીસર કાર્યરત થાય તે માટેના પણ પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ આ બાબતે સૂત્રોના આધારેથી જાણવા મળી રહ્યું છે કે ભારત અને નેપાળએ બંને દેશો બબલ વ્યવસ્થાની સાથે ફ્લાઇટ સર્વિસ ફરી શરૂ કરી શકે છે અને શરૂઆતમાં નવી દિલ્હી અને કાઠમાંડુથી પ્રત્યેક એક ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા આ અંગે નેપાળને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેને હવે મંજૂરી આપવામાં આવી છે. હાલમાં જ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાએ પોતાના નેપાળ પ્રવાસમાં બંને દેશો વચ્ચેના ખાસ સંબંધોને જાળવી રાખવા માટે લોકોની વચ્ચે સંપર્ક પર ભાર મૂક્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સેવા ભારત અને નેપાળી નાગરિકો અને જેની પાસે માન્ય ભારતીય વિઝા છે, તે તમામ લોકો માટે શરૂ કરવામાં આવશે. ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઇન્ડિયા અને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન કાર્ડ ધરાવતા લોકોને પણ યાત્રા કરવાની છૂટ આપવામાં આવશે.
ભારત તરફથી ફ્લાઇટ્સનું સંચાલન એર ઇન્ડિયા કરશે. જે સામાન્ય દિવસોમાં દિલ્હી અને કાઠમાંડુ વચ્ચે ડેઇલી ફ્લાઇટ સેવાનું સંચાલન કરતી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, એર બબલ વ્યવસ્થા મેડિકલ પ્રોટોકોલનું પાલન કરશે. જેમ કે અન્ય દેશોમાં પહેલેથી જ કરવામાં આવી રહ્યું છે. આમાં યાત્રાના 72 કલાક પહેલા આરટી પીસીઆર ટેસ્ટ રીપોર્ટ જેવા નિયમો સામેલ છે.
બંને દેશો વચ્ચે કોરોના મહામારીના શરૂઆતના દિવસોથી જ એર સર્વિસ ઠપ્પ છે. કોરોનાને કારણે 23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. જો કે,વંદે ભારત મિશન હેઠળ અને જુલાઈમાં એર બબલ વ્યવસ્થા સાથે ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી હતી.
-દેવાંશી