ગુજરાતમાં માસ્ક નહીં પહેનારાઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. 100 કરોડનો દંડ કરાયો વસુલ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. બીજી તરફ અનેક લોકો માસ્ક નહીં પહેતા હોવાથી આવા લોકોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનથી અત્યાર સુધીમાં માસ્ક વિના ફરતા અને જાહેરમાં થુંકવા બદલ પોલીસ દ્વારા 22 લાખ લોકોને પકડીને રૂ. 100 કરોડથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં કોરોના કેસ વધતા છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રજાને માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા માટે અપીલ કરવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. તેમ છતા લોકો કોરોના જેવી ગંભીર બીમારીને અવગણીને માસ્ક વગર બિન્દાસ્ત ફરે છે. આ મુદ્દે હાઈકોર્ટે પણ તાતેજરમાં સરકારને આડે હાથ લીધી હતી. તેમજ માસ્ક નહીં પહેરનારાઓ સામે આકરી કાર્યવાહી માટે નિર્દેશ પણ કર્યાં હતા. રાજ્યમાં જૂનથી અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેનારાઓ અને જાહેરમાં થુંકનારા લગભગ 22 લાખથી વધુ લોકોને પોલીસે ઝડપીને તેમની પાસેથી 100 કરોડથી વધારે દંડ વસુલ્યો છે. આ ઉપરાંત કવોરન્ટાઈનના નિયમોનું ભગં કરનારા 65855 લોકો સામે પગલા ભરવામાં આવ્યા છે. કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ 2.5 લાખ કેસ કરીને 3.5 લાખ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ્યમાં માર્ચથી કર્ફ્યુનો ભંગ કરવા મુદ્દે 5 લાખ જેટલા વાહન ડિટેઈન કરીને રૂ. 56 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. અત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં માસ્ક વિના ફરનારા લોકોને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તેમજ આવી વ્યક્તિઓને ઝડપી લઈને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો છે.