ઈન્ટર્ન તબીબોની હડતાળ યથાવત, સરકારના નિર્ણયની સામે વ્યક્ત કરી નારાજગી
અમદાવાદઃ ગુજરાતમાં ઈન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યાં છે અને આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી. તેમજ નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે હડતાળ ઉપર ઉતરેલા ઈન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવાના આદેશ સામે ઈન્ટર્ન તબીબોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, અમે એપ્રિલથી સતત કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવી રહ્યા છીએ. 9 મહિનાની હાજરી ઇન્ટર્નશિપમાં જરૂરી હોય છે, અમારી જરૂરી હાજરી પૂર્ણ થઈ ચૂકી છે.
ગુજરાતના ઈન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઈન્સેન્ટિવ અને બોન્ટ મુક્તિની માંગણી સાથે હડતાળ ઉપર ઉતર્યાં છે. દરમિયાન ગઈકાલે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મજબૂરીનો લાભ ઉઠાવી ઇન્ટર્ન તબીબો તેમની માગ સ્વીકારવા દબાણ ઉભું કરે તે ચલાવી નહીં લેવાય. હડતાળ પર રહેલા તમામ ઇન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવા ડીનને આદેશ કર્યો છે. બીજી તરફ સરકાર તરફથી સંતોષકારક જવાબ નહીં મળતા તબીબોએ હડતાળ યથાવત રાખી છે. બીજી તરફ સરકારી, GMERS તેમજ સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલના તબીબોએ હડતાળને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે.
ઈન્ટર્ન તબીબોએ જણાવ્યું હતું કે, અમે સરકારને અમારી માગ મજબૂરીમાં મનાવી લેવાનો પ્રયાસ નથી કરી રહ્યા, પરંતુ અમારો હક્ક માગી રહ્યા છીએ, જે ફરજ બજાવી છે તે મુજબ જ માગ કરી છે. અન્ય રાજ્યમાં ઇન્ટર્નને મળતી રકમ અને કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે અપાતી રકમ અંગે સરકાર માહિતી મેળવવી જોઈએ.