- અમેરિકાએ ભારત પ્રત્યે દર્શાવ્યું કડક વલણ
- અમેરિકાએ ભારતને ચીન, તાઇવાન જેવા દેશોની સાથે ચલણની હેરાફેરીઓની મોનિટરિંગ લિસ્ટમાં મૂક્યું
- ભારત ઉપરાંત ચીન, તાઇવાન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ઇટાલી, સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયા આ વોચ લિસ્ટમાં સામેલ
વોશિંગ્ટન: અમેરિકાએ ભારત પ્રત્યે કડક વલણ દર્શાવ્યું છે. અમેરિકાએ ભારતને ચીન, તાઇવાન જેવા 10 દેશોની સાથે ચલણની હેરાફેરીઓની મોનિટરિંગ લિસ્ટમાં મૂકી દીધું છે. અમેરિકાએ ભારત સહિત 10 દેશોને આ યાદીમાં સામેલ કર્યા છે. જે તેના તમામ મોટા બિઝનેસ પાર્ટનર્સ છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ભારત ઉપરાંત ચીન, તાઇવાન, જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, ઇટાલી, સિંગાપોર, થાઇલેન્ડ અને મલેશિયા આ વોચ લિસ્ટમાં સામેલ છે. અમેરિકા પહેલાથી જ વિયેટનામ અને સ્વિટ્ઝર્લેન્ડને ચલણની હેરાફેરીઓની શ્રેણીઓમાં મૂકી ચૂક્યું છે. US નાણાં મંત્રાલયે બુધવારે કોંગ્રેસમાં રજૂ કરેલા એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.
સમાચાર એજન્સીઓના અહેવાલ પ્રમાણે જૂન 2020 સુધીના તેના છેલ્લા 4 ત્રિમાસિક ગાળામાં અમેરિકાના ચાર મોટા વેપારી ભાગીદાર દેશો – ભારત, વિયેટનામ, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોરે તેમના વિદેશી વિનિમય બજારમાં સતત દખલ કરી છે. વિયેટનામ અને સ્વિટ્ઝર્લેન્ડ માટે સંભવિત અનુચિત કરન્સી સ્વિંગ્સ અથવા અતિશય બાહ્ય અસંતુલનની ઓળખ કરી છે જેની અમેરિકાની વૃદ્વિ પર અસર પડી છે.
નોંધનીય છે કે અમેરિકાના નાણાંમંત્રી સ્ટીવન મ્નુચિને કહ્યું હતું કે, નાણાં મંત્રાલયે અમેરિકન કામદારો અને ઉદ્યોગોની આર્થિક વૃદ્વિ અને તકોની સુરક્ષા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ 10 દેશો પર ખાસ નજર રાખવાની જરૂર છે અને તાઇવાન, થાઇલેન્ડ અને ભારતને આ યાદીમાં જોડવામાં આવી રહ્યા છે.
(સંકેત)