ખેડૂતોને પ્રદર્શનનો અધિકાર પરંતુ લોકોના મૌલિક અધિકારનું હનન ન થાય તે પણ જરૂરી છેઃ સુપ્રીમ કોર્ટ
દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, ખેડૂતોને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ રસ્તા જામ કરવા કોઈ ઉકેલ નથી. આ પ્રદર્શનનો અંત જરૂરી છે. જેથી આંદોલનના અંત માટે વાતચીત જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, અમે ખેડૂતોને પ્રદર્શન કરતા રોકતા નથી. પ્રદર્શનનું એક લક્ષ્ય હોય છે. વિરોધ પ્રદર્શનનો અંત લાવવા માટે વાતચીત જરૂરી છે. અમે એવુ ઈચ્છીએ છીએ સર્વમાન્ય સમાધાન નિકળે. ખેડૂતોને પ્રદર્શન કરવાનો હક છે, પરંતુ કેવી રીતે થાય તેની પર ચર્ચા થઈ શકે છે. ખેડૂતોને મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશની મંજૂરી ન આપી શકાય, આ નિર્ણય પોલીસનો હશે, ન કે કોર્ટનો અને ન તો સરકારનો જેમનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના મુખ્યન્યાયમૂર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મામલા અંગે આજે સુનાવણી નથી પૂરી કરી રહ્યા. બસ જોવાનું એ છે કે વિરોધ પણ ચાલતો રહે અને લોકોના મૌલિક અધિકારનોનું હનન ન થાય. સરકાર અને ખડૂતોની વચ્ચે વાતચીત થવી જોઈએ. તેના માટે અમે કમિટીની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ.