- કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન વચ્ચે ભાજપની હાઇ લેવલ બેઠક યોજાઇ
- બેઠકમાં ત્રણ કૃષિ કાયદાને ડિફેન્ડ કરવાની યોજના બનાવાઇ
- તે ઉપરાંત ખેડૂતોનું સમર્થન ભેગું કરવાનો પણ નિર્ણય લેવાયો હતો
નવી દિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી હાઇ લેવલની બેઠકમાં સપ્ટેમ્બરમાં બનેલા ત્રણ કૃષિ કાયદાને મજબૂતાઇથી ડિફેન્ડ કરવાની સાથે ખેડૂતોનું સમર્થન ભેગું કરવાનો નિર્ણય લેવાયો હતો. કહેવાયું છે કે વિપક્ષ અને કેટલાક સંગઠનો તરફથી ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરતા ત્રણ કાયદાનો પાર્ટી કાર્યકર્તાઓએ મજબૂતાઇથી બચાવ કરવા માટે સતત અભિયાન ચલાવવું જોઇએ. ખેડૂતો હકીકત જાણશે તો ભ્રમથી દૂર રહેશે અને આંદોલનની અસર ઓછી થશે.
આ બેઠકમાં તે ઉપરાંત ખેડૂતો વચ્ચે જનસંપર્ક અભિયાનમાં વધુ તેજી લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર પર મહાસચિવો અને પદાધિકારીઓ સાથે બેઠક થઇ હતી. આ બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનો સાથે થયેલી અત્યારસુધીની વાતચીતમાં ઉઠેલા મુદ્દાની જાણકારી આપી હતી.
પાર્ટીના સૂત્રો અનુસાર મંત્રીઓ અને ભાજપના સંગઠન પદાધિકારીઓ વચ્ચે નક્કી થયું છે કે જનતા વચ્ચે ત્રણ કૃષિ કાયદાઓને મજબૂતાઇથી ડિફેન્ડ કરવાની આવશ્યકતા છે. ખેડૂત સંગઠનો તરફથી સૂચિત જરૂરી પ્રસ્તાવ પર સરકાર અમલ કરશે પરંતુ ત્રણ કાયદાને રદ કરવાની માગણી પર કોઇ વિચાર નહીં થાય. બેઠકમાં દેશભરમાં ખેડૂતો અને નાગરિકો વચ્ચે ત્રણ કૃષિ કાયદાની યોગ્ય જાણકારી આપવા માટે ચાલી રહેલા અભિયાનને વધુ તેજ બનાવવા માટે મંથન થયું હતું.
(સંકેત)