આ એરલાઇન્સે મુસાફરોને સીધા ગૂગલ પર ટિકિટ બુક કરવાની આપી સુવિધા
- હવે સીધા ગુગલ પર ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકાશે
- વિસ્તારા એરલાઇન્સે મુસાફરોને આપી આ સુવિધા
- ‘બુક ઓન ગૂગલ’ ની આ નવી સુવિધાથી મુસાફરોને લાભ
મુંબઈ: પ્રીમિયમ એરલાઇન્સ વિસ્તારાએ એક નવી સુવિધા રજૂ કરી છે, જેનાથી મુસાફરો સીધા ગૂગલ પરથી વિસ્તારા ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શકે છે. મુસાફરો હવે સીધા ગૂગલ પર ‘બુક ઓન ગૂગલ’ પર જઈને વિસ્તારાથી પ્રવાસ માટેની ટિકિટ બુક કરાવી શકે છે. વિસ્તારાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોએ તેમના ગૂગલ એકાઉન્ટથી લોગિન કરવું પડશે. નામ અને કોન્ટેક્ટ ડીટેલ્સ જેવી વિગતો આપમેળે ભરાશે.
ટાટા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે વિસ્તારા એરલાઇન્સે શુક્રવારે કહ્યું હતું કે, મુસાફરો હવે સીધા ગુગલ સર્ચ પર જઈને તેની ફ્લાઇટસ માટે ટિકિટ બુક કરાવી શકે છે. વિસ્તારાના ચીફ કોમર્શિયલ ઓફિસર વિનોદ કન્નને જણાવ્યું હતું કે, અમને આશા છે કે ‘બુક ઓન ગૂગલ’ ની આ નવી સુવિધા મુસાફરોને કોઈ પણ પ્રકારની તકલીફ વગર ટિકિટ બુક કરવાનો વધુ સારો અનુભવ આપશે.
ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે વિસ્તારા એરલાઇન્સ સંયુક્ત ઉપક્રમ છે. એરલાઇન્સે કહ્યું કે, આ નવી સુવિધા અમાડેઅસ સાથેની તકનીકી ભાગીદારી દ્વારા શક્ય બનાવી શકાય છે. ગૂગલ પર ફ્લાઇટસને સર્ચ કરતી વખતે ગ્રાહકો અન્ય વેબસાઇટ પર નિર્દેશિત કર્યા વિના વિસ્તારાની ફ્લાઇટસ બુક કરાવી શકશે.
-દેવાંશી