ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ, તંત્ર એલર્ટ
અમદાવાદઃ ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ કરનારા પાકિસ્તાનની બોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બીએસએફની ટીમે સરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની નાગરિકની બોટ સાથે ધરપકડ કરીને તપાસ આરંભી છે. તેમજ તંત્ર વધારે સતર્ક બન્યું છે.
ગુજરાતની સરહદ પર બીએસએફના જવાનો દ્વારા કરવામાં આવતા પૅટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનની નાગરિકને સિર ક્રીક વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીએસએફની ટીમે પકડેલા શખ્સનું નામ ખાલિલ હુસૈન હોવાનું સિંધ પ્રાંતનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. તેની બોટમાંથી 20 લિટરનું ડીઝલનું કેન, મોબાઇલ ફોન, બે માછીમારી માટેની જાળ, પ્લાસ્ટિકના દોરાના આઠ બંડલ અને કેટલાક કરચલા જપ્ત કરાયા હતા. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ ખરાબ દરિયાઈ હવામાન અને નબળી વિઝિબિલિટીને કારણે ભારતની દરિયાઈ સીમામાં પ્રવેશી હોવાનું સામે આવ્યું હતું. બીએસએફની ટીમે તેની આગવીઢબે પૂછપરછ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત જમીન અને દરિયાઈ માર્ગે પાકિસ્તાન સાથે સંકળાયેલું છે. તેમજ કચ્છના સરહદી વિસ્તારોમાંથી અવાર-નવાર બિનવારસી હાલતમાં નશીલા દ્રવ્યો મળી આવે છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક બની છે. તેમજ સરહદ ઉપર ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.