કારગીલ સમયે પાકિસ્તાના પીએમ હતા નજરકેદ- પૂર્વ પીએમ અટલજી પર લખાયેલા પુસ્તક ‘ધ ઈયર્સ ધેટ ચેન્જડ્ ઈન્ડિયા’નો દાવો
દિલ્હીઃ કારગીલમાં 1999માં થયેલા યુદ્ધમાં ભારત અને આતંકવાદીઓના વેશમાં આવેલા પાકિસ્તાનની સેનાના જવાનો સામ-સામે હતા. આ તણાવ ભર્યા વાતાવરણમાં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફ સાથે સંપર્કમાં રહ્યાં હતા. આ ખુલાસો પૂર્વ પીએમ અટલજી પર લખાયેલા પુસ્તક ‘ધ ઈયર્સ ધેટ ચેન્જડ્ ઈન્ડિયા’ વાજપાયીમાં કર્યો છે. આ પુસ્તકના લેખક અટલજીના કાર્યકાળમાં તેમના અંગત અચિવ શક્તિ સિંહા છે.
પુસ્તકમાં જણાવ્યું છે કે, અટલજી હંમેશા માનતા હતા કે, પાકિસ્તાની સેનાના જનરલ પરવેઝ મુશરર્ફે જાણી જોઈને દેશની સરકારને પણ કારગીલ યુધ્ધમાં જોડ્યું હતું. જેથી તેમણે તત્કાલિન પાકિસ્તાન પીએમ નવાઝ શરીફ સાથે કારગિલ યુદ્ધ દરમિયાન ફોન ઉપર ચારથી પાંચ વાતચીત કરી હતી. બંને દેશ વચ્ચે સંઘર્ષ ખતમ કરવા માટે અટલજીએ આર.કે.મિશ્રાને પ્રતિનિધિ બનાવ્યાં હતા.
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કારગીલ યુદ્ધ દરમિયાન નવાઝ શરીફની હાલત તણાવ ભરી હતી. તેમજ તેમણે પોતાના ઘર ઉપર નજર રાખવામાં આવતી હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. જે બાદ આ અંગે મિશ્રાએ અટલજી સાથે વાતચીત કરી હતી. અટલજી પણ સમજી ચુક્યાં હતા કે, શરીફ હાલની સ્થિતમાં કેદ છે. ત્યાર બાદ તેમણે 15 દિવસની અંદર શરીફ સાથે ચારથી પાંચ વાર ફોન ઉપર વાત કરી હતી.
પુસ્તકમાં દાવો કરાયો છે કે, એલઓસી ઉપરથી પાકિસ્તાની સેના પરત જવા માટે એક મોટું કારણ ટેલિફોન રેકોર્ડિંગ હતું. જે ભારતીય સુરક્ષા એજન્સી ‘રો’ ના તત્કાલિન પ્રમુખ અરવિંદ દવેએ પ્રધાનમંત્રી અટલજીને આપી હતી. જેમાં પાકિસ્તાન આર્મીના તત્કાલિન ચીફ પરવેઝ મુશરર્ફ અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટિનંટ જનરલ મહંમદ અજીજની વાતચીત હતી. આ રેકોર્ડિંગમાં સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની સેનાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મુજાહીદ્દીનની સંડોવણી ખુબ ઓછી હતી. આ ટેપ રાજકીય રીતે પાકિસ્તાનમાં શરીફ પાસે મોકલવામાં આવી હતી.