- બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઇ
- બ્રિટન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇટલી, નેધરલેન્ડ્સ, જિબ્રાલ્ટર અને ડેનમાર્કમાં પણ આ વાયરસ ફેલાયો
- નવેમ્બરમાં ડેન્માર્કમાં 9 કેસમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ થઇ હતી
લંડન: બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાની દહેશત ફેલાઇ ચૂકી છે અને સમગ્ર વિશ્વ ફરી ચિંતિત બન્યું છે. એક તરફ વેક્સીન આવ્યા બાદ કોરોના સંક્રમણને રોકી શકાશે તો બીજી તરફ આ નવા વાયરસના પ્રકારથી નવી આશંકાઓ જોવા મળી રહી છે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે નવો સ્ટ્રેન 70 ટકા ઝડપથી ફેલાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોના વાયરસનો નવો અને ખતરનાક સ્ટ્રેન વીયુઆઇ-202012/01 બ્રિટન ઉપરાંત અન્ય પાંચ દેશોમાં પણ જોવા મળ્યો છે. આ દેશમાં ઓસ્ટ્રેલિયા, ઇટલી, નેધરલેન્ડ્સ્, જિબ્રાલ્ટર અને ડેનમાર્કનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બેલ્જિયમમાં પણ નવા વાયરસના સ્ટ્રેન મળવાના અહેવાલ છે પણ તેની પુષ્ટિ નથી થઇ.
અહેવાલો અનુસાર નવેમ્બરમાં ડેન્માર્કમાં 9 કેસમાં આવા સ્ટ્રેનની પુષ્ટિ થઇ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં આ સ્ટ્રેન એક વાર જોવા મળ્યો હતો. નેધરલેન્ડ્સે જાહેરાત કરી છે કે આ મહિને તેમને ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો એક મામલો સામે આવ્યો છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા સ્ટ્રેનની સૌથી પહેલી પુષ્ટિ 20 સપ્ટેમ્બરે કેન્ટમાં થઈ હતી. હવે બ્રિટનના દક્ષિણ-પૂર્વ અને લંડનમાં 60 ટકા કેસ કોરોનાના નવા સ્ટ્રેનથી છે. સ્પષ્ટ છે કે નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજી તરફ સ્કોટલેન્ડના ગ્રેટર ગ્લાસ્ગો અને ક્લીડે ક્ષેત્રમાં પણ નવા સ્ટ્રેનના 9 કેસ સામે આવ્યા છે.
(સંકેત)