બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપથી ભય, 43 દેશોએ કાપ્યો સંપર્ક
દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપથી ભયનો માહોલ ઉભો થયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશોએ બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં ફ્રાન્સે પણ બ્રિટેનને લગતી દરેક સરહદોને સીલ કરી દીધી હોવાનું જાણવા મળે છે. બ્રિટન સાથે દુનિયાના લગભગ 43 જેટલા દેશોએ સંપર્ક કાપી નાખ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોના વાયરસનો નવા સ્ટ્રેઇન મળી આવ્યાં હતા. જેથી દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. એટલું જ નહીં ભારત, કેનેડા,સાઉદી અરબ, કુવૈત, ઓમાન, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા, તુર્કી, પોલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ, રશિયા, જોર્ડન, હોંગકોંગ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જીયમ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ચિલ્લી, ઇઝરાયલ અને બુલ્ગારિયાએ બ્રિટેનની સાથે તેમની ઉડાનો અટકાવી છે. બીજી તરફ ફ્રાન્સ દ્વારા બ્રિટનને લગતી તમામ સરહદ બંધ કરી દીધી છે. 48 કલાક માટે બ્રિટન તરફનો વાહન-વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી બ્રિટનમાં ખાદ્ય પદાર્થોની અછત ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બ્રિટેનમાં 25 ટકા જેટલા ખાદ્ય પદાર્થો યુરોપીય સંઘમાંથી આવતા હોવાનું જાણવા મળે છે. બ્રિટનમાં કોરોના વાયરસનું સ્વરૂપ મળી આવતા એશિયામાં સૌ પ્રથમ હોંગકોંગે બ્રિટન સાથેનો સંપર્ક કાપ્યો હતો.