અનુચ્છેદ 35A પર સુનાવણી પહેલા હાઈએલર્ટ, કાશ્મીરમાં મોકલવામાં આવી સુરક્ષાદળોની 120 કંપનીઓ
જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલા બાદથી જ હલચલ વધી ગઈ છે. હલચલ શનિવારે ત્યારે વધી ગઈ હતી કે જ્યારે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસિન મલિકની પોલીસે ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-એ પર સોમવારે સુનાવણી પહેલા પોલીસે સાવધાનીના પગલા હેઠળ યાસિન મલિકને કસ્ટડીમાં લીધો છે. યાસિન મલિકની અટકાયત બાદ તણાવને જોતા કેન્દ્ર સરકારે કાશ્મીર ખીણમાં સુરક્ષાદળોની સતર્કતામાં વધારો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયે અર્ધલશ્કરી દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીરમાં મોકલી છે. જેમાં સીઆરપીએફની 35, બીએસએફની 35, એસએસબીની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓ સામેલ છે.
સીઆરપીએના કાફલા પર પુલવામા ખાતેના હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. તેના આઠ દિવસમાંજ કેન્દ્ર સરકારે વિવિધ આકરી કાર્યવાહીઓ શરૂ કરી છે.
તાજેતરમાં સરકારે યાસિન મલિક અને કટ્ટરપંથી હુર્રિયત કોન્ફરન્સના કેટલાક નેતાઓની સુરક્ષાને પાછી ખેંચી લીધી હતી. બાદમાં યાસિન મલિકે કહ્યુ હતુ કે તેને રાજ્યમાં ક્યારેય કોઈ સુરક્ષા મળી નથી. મલિકે કહ્યુ હતુ કે તેની પાસે છેલ્લા 30 વર્ષોથી કોઈ સુરક્ષા નથી. તેવામાં જ્યારે સુરક્ષા મળી જ નથી, તો પાછી લેવાની વાત શેના આધારે થઈ રહી છે. યાસિન મલિકે કહ્યુ હતુ કે સરકાર દ્વારા બિલકુલ બેઈમાની થઈ રહી છે. મલિકે સંબંધિત સરકારી જાહેરનામાને ખોટું ગણાવ્યું હતું. સરકારે બુધવારે કહ્યું હતું કે મલિક અને ગિલાની સહીતના 18 ભાગલાવાદીઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે.