સેન્ટ્રલ બેંક પોતાના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ, 160 કરોડમાં બિઝનેસની હિસ્સેદારી વેચશે
- સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય
- બેંક હવે તેના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ
- બેંક સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સને તેની 64 ટકાથી વધુ હિસ્સેદારી 160 કરોડમાં વેચશે
નવી દિલ્હી: સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. બેંક હવે તેના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી એક્ઝિટ કરવા જઇ રહી છે. આ માટે તે સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સને તેની 64 ટકાથી વધુ હિસ્સેદારી 160 કરોડમાં વેચશે. બેંકનો હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ સંયુક્ત સાહસમાં છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સેન્ટ્ર બેંક ઑફ ઇન્ડિયાએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, બેંક તેના રૂ.10ની ફેસ વેલ્યૂવાળા 1.61 કરોડ શેર્સનો સંપૂર્ણ ઇક્વિટી હિસ્સો વેચશે. આ હિસ્સો 64.40 ટકા છે. આ હાઉસિંગ ફાઇનાન્સ કંપની સેંટ બેંક હોમ ફાઇનાન્સ લિમિટેડના નામ હેઠળ છે. તે સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સ સાથેના સંયુક્ત સાહસમાં છે. સેન્ટ્રલ બેંકે આ માટે બાઇન્ડિંગ એગ્રિમેન્ટ કર્યો છે તેમજ મંજૂરી માટે તેને રેગ્યુલેટરી ઓથોરિટીને મોકલવામાં આવ્યો છે.
સેન્ટ્રમ હાઉસિંગની પેરેન્ટ કંપની સેન્ટ્રમ કેપિટલ દ્વારા અલગ ફાઇલિંગ અનુસાર અધિગ્રહણનો ખર્ચ રોકડ આધારે અંદાજે 160 કરોડ રૂપિયા છે. સેન્ટ્રમ કેપિટલે ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા સીબીએચએફએલમાં બેંકનો સંપૂર્ણ ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા સાથે શેર ખરીદી કરાર કરવામાં આવ્યો છે.
સેન્ટ્રમે કહ્યું કે આ પગલું અમારા વ્યવસાયની દિશામાં યોગ્ય પગલું છે. આ અમારું વ્યૂહાત્મક અધિગ્રહણ છે. સેન્ટ્રમ કેપિટલે જણાવ્યું હતું કે આ સોદો લગભગ બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે. સીબીએચએફએલ ફાઇનાન્સ અને મોર્ટગેજ કંપની છે જે સંયુક્ત રૂપે ચાર જાહેર ક્ષેત્રની સંસ્થાઓ – સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, નેશનલ હાઉસિંગ બેંક, સ્પેસિફાઇડ અંડરટેકિંગ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (એસયુટીટીઆઈ) અને હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે પ્રમોટેડ છે.
(સંકેત)