અમદાવાદઃ રાજકોટના જામનગર રોડ પર રાજ્યની પ્રથમ એઇમ્સ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સરકારી 200 એકર જમીનમાં એઇમ્સના 19 બિલ્ડીંગો ઉભી થનાર છે જે પૈકીના 12 પ્લાનને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ મંજૂર કરી દીધા છે. બિલ્ડીંગના બાંધકામ પૂર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 ડીસેમ્બરે વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરે તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ પર એઇમ્સ બિલ્ડીંગ ઉભુ કરવા માટે એઇમ્સ સતાવાળાઓ દ્વારા તમામ કાર્યવાહીઓ ઝડપી કરવામાં આવી છે. મંજુર કરવામાં આવેલા 12 પ્લાનમાં મોટાભાગે રેસીડેન્ટ કોલોની, ડાયરેક્ટર બંગલો, નર્સિંગ ક્વાર્ટર સહિતનાનો સમાવેશ થાય છે જ્યારે એઇમ્સ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગના પ્લાનની ચકાસણી હાલ રુડા દ્વારા કરવામાં આવી રહી છે. ચાલુ માસના અંત પહેલા એઇમ્સના બાકી રહેલા અન્ય 7 પ્લાનોને પણ રૂડા ઓથોરીટી દ્વારા મંજુર કરી દેવામાં આવશે.
રૂડાને એઇમ્સ દ્વારા ભરવાની થકી વિકાસ પરવાનગી 50 ટકા માફ કરવામાં આવી છે. એઇમ્સ ઓથોરીટીએ 1.18 કરોડની ભરવાની છે. જેનુ પેમેન્ટ મોટાભાગે સોમવાર સુધીમાં કરી દેવામાં આવશે એવું એઇમ્સના ડાયરેક્ટર શ્રમદીપસિંહ સિંહાએ જણાવતા ઉમેર્યું હતું કે વડાપ્રધાનના 31 ડીસેમ્બરના કાર્યક્રમની તૈયારી કરવા સુચના આપવામાં આવી છે. આ સંદર્ભે વહીવટી તંત્ર સાથે વાતચીત કરી લેવામાં આવી હોવાનું અને સોમવારે મહત્વની બેઠક કરવામાં આવશે. દરમિયાન એઇમ્સ ઓથોરીટી દ્વારા 31 ડીસેમ્બરે વડાપ્રધાનના હસ્તે એઇમ્સ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ માર્ચ 2022 સુધીમાં એઇમ્સ તૈયાર કરી દેવામાં આવે તે રીતની કામગીરી શરૂ કરવામાં આવશે.