દુબઈથી પ્રત્યાર્પિત કરીને ભારત લાવવામાં આવેલા અગસ્તા વેસ્ટલેન્ડ મામલાના આરોપી રાજીવ સક્સેનાને જામીન મળી ગયા છે. દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટે રાજીવ સક્સેનાને સોમવારે નિયમિત જામીન આપ્યા છે. રાજીવ સક્સેના પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ મામલામાં તેની ઈડી દ્વારા પૂછપરછ થઈ રહી છે.
અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ખ્રિશ્ચિયન મિશેલના પ્રત્યાર્પણ બાદ તપાસ એજન્સીઓને રાજીવ સક્સેનાના પ્રત્યાર્પણની મોટી સફળતા મળી હતી.
સક્સેનાને ભારત લાવતાની સાથે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બાદમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઈડીને તેના રિમાન્ડ આપ્યા છે.
આ પહેલા ગત વર્ષ ડિસેમ્બરમાં યુએઈની સરકારે 3600 કરોડ રૂપિયાના વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળાના કથિત વચેટિયા અને મામલામાં સહઆરોપી બ્રિટિશ નાગરિક ખ્રિશ્ચિયન મિશેલને પ્રત્યાર્પિત કર્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
પટિયાલા હાઉસ કોર્ટે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ ગોટાળાના મામલામાં દુબઈની એક કંપનીના ડાયરેક્ટર રાજીવ સક્સેના વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યો હતો. બાદમાં કોર્ટે સક્સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર નિર્ણય ટાળી દીધો હતો. તેને દુબઈ ખાતેના તેના ઘર પરથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
આ વર્ષે 31 જાન્યુઆરીએ રાજીવ સક્સેનાને દુબઈ ખાતે તેમના ઘરેથી સવારે સાડા નવ વાગ્યે યુએઈ સિક્યોરિટીએ કસ્ટડીમાં લીધો હતો. બાદમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક પ્રાઈવેટ ટર્મિનલ પરથી એક પ્રાઈવેટ જેટમાં ભારત માટે રવાના કરવામાં આવ્યો હતો.
ગત વર્ષ નવેમ્બરમાં સીબીઆઈએ દીપક તલવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેના ઉપર એક એનજીઓ દ્વારા 90 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. ઈડીનો આરોપ છે કે સક્સેના, તેની પત્ની અને દુબઈ ખાતેની તેની બે ફર્મે મની લોન્ડ્રિંગ કરી છે.