ગુજરાતમાં શીતલહેર, કોલ્ડવેવની હવામાન વિભાગે કરી આગાહી
અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે ગુજરાત ઉપર શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફ રાજ્યમાં હજુ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં નવ જેટલા નગરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડી શરૂ થઈ ગઈ છે. લઘુતમ તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી જેટલો એક જ ધડાકે નીચે ઉતરી ગયો છે અને તેના કારણે રાજ્યના 9 શહેરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીજીટમાં આવી ગયું છે. એકાએક આવી પડેલા ઠંડીના આક્રમણથી જનજીવનને પણ અસર થઈ છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 3.2 ડિગ્રી નોંધાયુ છે. આવી જ રીતે રાજકોટમાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે 5.5, ન્યૂ કંડલામાં 9.1, ગાંધીનગરમાં 7.5, અમદાવાદમાં 8.3 અને ડીસામાં 6.7 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 8, ભાવનગરમાં 12.2 પોરબંદરમાં 10.4 વેરાવળમાં 13.3 દ્વારકામાં 14.0 ઓખામાં 17.8 ભુજમાં 10.2 અમરેલીમાં 10 મહુવામાં 11.5 દીવમાં 11.5 વલસાડમાં 13.4 અને વલ્લભવિદ્યાનગરમાં 11 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે પણ ઠંડીનું મોજું ફરી વળવાની ચેતવણી છે. નલિયા અને રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધી જશે અને લઘુત્તમ તાપમાનનો પારો નીચો ઉતરી જશે તેવી ચેતવણી હવામાનખાતાએ આપી છે.