1. Home
  2. ગુજરાતી
  3. દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી હવે નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટશે
દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી હવે નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટશે

દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી હવે નેશનલ હાઇવે પર અકસ્માતો ઘટશે

0
Social Share
  • નેશનલ હાઇવે પર વર્ષ 2019માં 2726 જેટલા અકસ્માતો થયા
  • નેશનલ હાઇવે પર થતા અકસ્માતોને ઓછા કરવા દક્ષિણ ગુજરાત પોલીસની પહેલ
  • દક્ષિણ ગુજરાત પોલીસ આખા દેશમાં પ્રથમવાર હાઇવે પર સીસીટીવી નેટવર્ક બિછાવશે

સુરત: દેશમાં વારંવાર થતા માર્ગ અકસ્માતમાં અનેક લોકો મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ 2019માં રોંગ સાઇડ ડ્રાઇવના કારણે અકસ્માતમાં 9200 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ પૈકી ચોથા ભાગના એટલે કે 2726 જેટલા અકસ્માતો તો નેશનલ હાઇવે પર જ થયા છે. હવે તેને કાબૂમાં લેવા માટે દક્ષિણ ગુજરાત પોલીસ નેશનલ હાઇવે 48 પર વલસાડથી નવસારી વચ્ચે આખા દેશમાં પ્રથમવાર સીસીટીવી નેટવર્ક બિછાવશે. જેનાથી હાઇવે પર ટ્રાફિક મુવમેન્ટ અને ટ્રાફિકના નિયમો તોડનારા પર ધ્યાન રહેશે. નિયમો તોડનારાને તેમની નંબર પ્લેટથી ઓળખવામાં આવશે અને  હાઇવેના બંને તરફ આવેલા ટોલ પ્લાઝા પર તેમના પાસેથી દંડની રકમની વસૂલાત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ વલસાડના ભિલાડથી નવસારીના બોરિયાચ સુધીનો 50 કિમીનો રોડ આવરશે. હાઇવે પર પ્રતિ એક કિમીના અંતરે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે વલસાડ જીલ્લામાં અને નવસારી જીલ્લામાં વર્ષ 2019માં અનુક્રમે 328 અને 174 અકસ્માત નોંધાયા છે. સુરત રેન્જ આઇજીપી રાજકુમાર પાન્ડિયને કહ્યું કે, હાઇવે પર મોટાભાગના ટ્રાફિક અકસ્માતમાં ભારે વાહનો સમાવિષ્ટ હોય છે. જેના કારણે અમે હવે આ સીસીટીવી નેટવર્કથી હાઇવે પર વાહનોની અવરજવર પૂરતું ધ્યાન રાખીશું. સમગ્ર દેશમાંથી આ પ્રથમ પ્રોજેક્ટ છે જેમાં પોલીસ હાઇવે પર અકસ્માત ઘટાડવા માટે સીસીટીવી નેટવર્ક ઉભું કરશે.

નોંધનીય છે કે, આ પ્રોજેક્ટ શરૂ થયા પછી ટ્રક સહિતના તમામ વાહનો જે હાઇવે પર ટ્રાફિક નિયમો તોડશે તેમની પાસેથી ટોલ બૂથ પર દંડની વસૂલાત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત પોલીસની આ પહેલથી ચોક્કસપણે માર્ગ અકસ્માતમાં ઘટાડો થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code