અમદાવાદ: સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ આકાર પામશે
- અમદાવાદના સાયન્સ સિટીમાં ગ્લોબલ રોબોટિક ગેલેરી બનશે
- તે ઉપરાંત દેશનું સૌથી મોટું એક્વેરિયમ પણ આકાર લેશે
- રાજ્યના દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસિત કરવામાં આવશે
અમદાવાદ: અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ બનશે. તે ઉપરાંત મ્યુઝિકલ ફાઉન્ટેન-થિયેટર-પ્લેનેટ અર્થ વિભાગ-એનર્જી પાર્ક-લાઇફ સાયન્સ વિભાગ પણ આગામી દિવસોમાં સાયન્સ સિટીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત રાજ્યના દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસિત કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતં કે ગુજરાતનો વિકાસ વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઇ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશનું સૌથી મોટું એક્વેરિયમ તૈયાર થવા જઇ રહ્યું છે. તે આગામી દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઇ શકશે.
સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે અને અનેક પ્રયાસો કરી રહી છે. રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેક્નોલોજીના આધારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને તે માટે રાજ્યના દરેક જીલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ સાયન્સ સિટી ખાતે પ્રગતિમાં થઇ રહેલા કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તે ઉપરાંત રોબોટિક ગેલેરીમાં રોબોઝિયમ, રિસર્ચ એન્ડ રેસ્ક્યુમાં રોબોટિકની ભૂમિકા, મેડિકલ-આરોગ્ય ક્ષેત્રમાં રોબોટિક પર્ફોમન્સ પણ નિહાળ્યું હતું. આ ઉપરાંત સાયન્સ સિટી ખાતે તૈયાર કરવામાં આવેલા ‘અવર સાઇટ્સ અગેઇન્સ્ટ કોવિડ-૧૯’ પુસ્તિકા અને સાયન્સ સિટીની માહિતી સાથેની ુપેન ડ્રાઇવનું પણ તેઓએ વિમોચન કર્યું હતું.
(સંકેત)