મેલબોર્ન ટેસ્ટમાં ભારતનો વિજય – ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યુ
મુંબઈ: ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી પરાજય આપ્યો છે. પ્રથમ ટેસ્ટમાં હાર મેળવ્યા બાદ ભારતે મેલબોર્ન ટેસ્ટ જીતીને સીરીઝને 1-1થી બરાબર કરી છે.
ઓસ્ટ્રેલિયાએ આ બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતીય ટીમના આક્રમક બોલિંગ એટેકની સામે 195 રનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે પહેલી બેટિંગ કરતા 326 રનનો સ્કોર કર્યો હતો જેમાં કેપ્ટન અજીંક્ય રહાણેએ 112 અને રવિન્દ્ર જાડેજાએ 57 રનની ઈનીંગ રમી હતી. જાડેજા અને રહાણેની બેટિંગના કારણે ભારતે પ્રથમ ઈનિંગમાં જ 131 રનની લીડ મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા પોતાની બીજી ઈનિંગમાં 200 કરવામાં સફળ રહ્યુ હતુ. ભારતના બોંલિંગ આક્રમણ સામે ઓસ્ટ્રેલિયા લાંબો સમય ટકી શક્યુ નહી. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગને ઓલઆઉટ કરતા ઝડપી બોલર મહંમદ સિરાજે 3 વિકેટ ખેરવી હતી જ્યારે બુમરાહ, અશ્વીન અને જાડેજાના હાથમાં 2-2 વિકેટ આવી હતી.
ભારતને બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી 70 રનનો ટારગેટ મળ્યો હતો જેને ભારતે 2 વિકેટ ખોવીને હાસલ કર્યો હતો.