- વર્ષ 2021માં લેવાનારી CBSEની ધો.10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર
- બોર્ડની પરીક્ષા 4મેથી શરૂ થશે. જ્યારે પ્રેક્ટિકલ માર્ચથી જ શરૂ થઇ જશે
- પરીક્ષાઓ 10મી જૂને સમાપ્ત થશે અને 15 જુલાઇ સુધીમાં તેના પરિણામ જાહેર કરી દેવાશે
નવી દિલ્હી: વર્ષ 2021માં લેવાનારી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર થઇ ચૂકી છે. કેન્દ્રીય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે કે, બોર્ડની પરીક્ષા 4મેથી શરૂ થશે. જ્યારે પ્રેક્ટિકલ માર્ચથી જ શરૂ થઇ જશે. પરીક્ષાઓ 10મી જૂને સમાપ્ત થશે અને 15 જુલાઇ સુધીમાં તેના પરિણામ જાહેર કરી દેવાશે.
તેમણે દેશભરમાં કોરોના કાળ દરમિયાન સફળતાપૂર્વક ઓનલાઇન ક્લાસના સંચાલનની વાત કરતા કહ્યું હતું કે, સ્કૂલો દ્વારા ઓનલાઇન ઉપરાંત ઓફલાઇન પરીક્ષાઓ પણ લેવામાં આવી છે. અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે, આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખતા અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, અને પરીક્ષામાં 33 ટકા માર્ક્સ ઇન્ટરનલ ચોઇસ પ્રશ્નો રહેશે, જો કે, પરીક્ષા દર વખતની જેમ ઓફલાઇન જ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનાથી સમગ્ર દેશમાં સ્કૂલો બંધ છે. કેટલાક રાજ્યોએ તાજેતરમાં સ્કૂલો શરુ કરી છે, પરંતુ કોરોનાના કેસ દિવાળીના અરસામાં અચાનક વધતા કોઈ મા-બાપ પોતાના બાળકને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી. અનલોકની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે સ્કૂલો અને કોલેજો તબક્કાવાર અને કેટલાક નિયંત્રણો સાથે ખોલવા માટે ક્યારનીય મંજૂરી આપી દીધી છે, પરંતુ આ મામલે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યોને સોંપવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ હજુ સુધી સ્કૂલો ખૂલી શકી નથી. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડ પરીક્ષા પણ આ વખતે મે મહિનામાં જ યોજાય તેવી શક્યતા છે. CBSEની જેમ ગુજરાત બોર્ડે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે, વર્ષ 2021માં યોજાનારી પરીક્ષાઓ લેવામાં આવશે જ, અને કોઇ ધોરણમાં માસ પ્રમોશન પણ નહીં અપાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2020માં ગુજરાત સરકારે ધોરણ 10 અને 12 સિવાયના વર્ગોમાં ભણતા સ્ટૂડન્ટ્સને માસ પ્રમોશન આપ્યું હતું. આ વખતે પણ માસ પ્રમોશન અપાય તેવી માગણી વાલીઓ કરી રહ્યા છે, પરંતુ સરકારે હાલ તો તેના માટે ઈનકાર કરી દીધો છે.
(સંકેત)