વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બૂટા સિંહનું 86 વર્ષની વયે નિધન
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર બૂટા સિંહનું નિધન
- 86 વર્ષીય બૂટા સિંહ છેલ્લા લાંબા સમયથી બિમાર હતા
- બૂટા સિંહ 8 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે
નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી સરદાર બુટા સિંહનું આજે સવારે નિધન થયું છે. 86 વર્ષીય બૂટા સિંહ છેલ્લા લાંબા સમયથી બિમાર હતા. બૂટા સિંહ 8 વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. પીએમ મોદી અને રાહુલ ગાંધીએ બુટા સિંહના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
બુટા સિંહ રાજીવ ગાંધીની સરકારમાં 1986 થી 1989 સુધી કેન્દ્રીય ગૃહ મંત્રીનું પદ સંભાળ્યું હતું. આ પહેલા રાજીવ ગાંધીની જ સરકારમાં 1984 થી 1986 સુધી કૃષિ મંત્રી રહ્યાં હતા. વર્ષ 2004 થી 2006 સુધી બૂટા સિંહ બિહારના રાજ્યપાલ રહ્યા હતા. ત્યાર બાદ 2007 થી 2010 સુધી મનમોહન સિંહની સરકાર દરમિયાન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રહ્યા હતા.
વર્ષ 1977માં જનતા પાર્ટીની લહેરના કારણે કોંગ્રેસ ખરાબ રીતે હારી હતી. ત્યારપછી પાર્ટી વિભાજીત પણ થઇ ગઇ હતી. ત્યારે બૂટા સિંહે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી કોંગ્રેસના એકમાત્ર રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં અથાગન મહેનત પછી પાર્ટીને વર્ષ 1980માં ફરી સત્તામાં લાવવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી.
બૂટા સિંહના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને દીકરી છે. 21 માર્ચ, 1934ના રોજ પંજાબના જાલંધરના મુસ્તફાપુર ગામમાં જન્મેલા બૂટા 8 વખત લોકસભા માટે ચૂંટાયા હતા.
(સંકેત)