અમદાવાદઃ સમગ્ર દેશમાં તમામ સાંસદોમાંથી શ્રેષ્ઠતમ કામગીરી કરતા 25 સાંસદોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે કરવામાં આવેલા સર્વેમાં સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલની પસંદગી કરવામાં આવી છે. ફેમ ઇન્ડિયા મેગેઝીન અને એશિયા પોસ્ટ એજન્સી દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચ્છના ભાજપના સાંસદ વિનોદ ચાવડાની વ્યવહાર કુશળતા શ્રેણીમાં શ્રેષ્ઠ સાંસદ તરીકે પસંદગી કરવામાં આવી છે.
ભાજપના જણાવ્યા અનુસાર, અલગ અલગ માપદંડોના આધારે પસંદગી પામેલા દેશના 25 શ્રેષ્ઠ સાંસદોની સૂચિમાંથી 17 સાંસદો ભાજપના છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા માટે કામ કરવામાં ભાજપના જનપ્રતિનિધિઓ સૌથી આગળ છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નવસારીના સાંસદ તરીકે કરેલી અભૂતપૂર્વ કામગીરીથી કોઈ અજાણ નથી. 2009થી તેઓ સાંસદ તરીકેની પોતાની જવાબદારીનું સુપેરે નિર્વહન કરી રહ્યા છે.
સી.આર.પાટીલના સંસદીય ક્ષેત્રના વિકાસ માટે, જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે, ડિજિટલ માધ્યમો અને ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરવાના તેમના સફળ પ્રયત્નોના સકારાત્મક પરિણામો નવસારીની જનતાએ પ્રત્યક્ષ અનુભવ્યા છે. તેમજ સી.આર.પાટીલ આગવી અને પ્રભાવી કાર્યશૈલીથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત કરવાની સાથે સાથે તેમના સંસદીય ક્ષેત્ર નવસારી પર પણ તેઓ જરૂરી ધ્યાન આપીને સાંસદ તરીકેનો તેમનો ધર્મ નિભાવી રહ્યા છે. રોડમેપના આધારે કાર્ય કરી રાજયના ભાજપ સંગઠનને દેશનું શ્રેષ્ઠ સંગઠન બનાવવાનું લક્ષ્ય છે.