- ધરતી ઉપરાંત અંતરીક્ષમાં પણ કચરો સતત વધી રહ્યો છે
- અંતરીક્ષમાં પાંચ લાખ કરતા પણ વધારે કાટમાળના ટૂકડાઓ ધરતીના ચક્કર લગાવી રહ્યા છે
- જાપાન હવે લાકડામાંથી સેટેલાઇટનું નિર્માણ કરી રહ્યું છે
ટોક્યો: માણસ સતત અંતરીક્ષના ક્ષેત્રમાં નવા નવા શિખરો સર કરી રહ્યો છે. આપણે મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે મંગળ અને ચંદ્ર સુધી પણ પહોંચ્યા છીએ. બીજી તરફ અવનવી ટેક્નોલોજીનો પણ સતત વિકાસ કરી રહ્યા છીએ. આપણે પૃથ્વીને આપણા સ્વાર્થ માટે કચરા અને પ્રદૂષણથી દૂષિત કરી છે, તે જ રીતે અવકાશમાં પણ આપણા કારણે કચરામાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે અવકાશમાં કચરાના નિકાલ માટે હજુ જેટલા પ્રયાસો થવા જોઇએ એટલા નથી થઇ રહ્યા.
અમેરિકી અંતરીક્ષ સંસ્થા નાસા અનુસાર અંતરીક્ષમાં પાંચ લાખ કરતા પણ વધારે કાટમાળના ટૂકડાઓ ધરતીના ચક્કર લગાવી રહ્યા છે. આ તમામ ટૂકડાઓ આપણે ધરતી ઉપરથી ત્યાં મોકલ્યા છે. કોઇપણ મિશન માટેના સેટેલાઇટ આપણે અવકાશમાં મોકલીએ છીએ, પરંતુ કામ પૂર્ણ થયા બાદ સેટેલાઇટ ધરતીમાં પરત આવતા સમયે સળગી જાય છે અને બાદમાં તેનો કાટમાળ અંતરીક્ષમાં તરતો રહે છે.
ધરતીની આસપાસ જે કાટમાળના ટૂકડાઓ છે તેનાથી ખાસ કરીને અત્યારે સક્રિય એવા સેટેલાઇટ તથા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ત્યારે ટેક્નોલોજીમાં અવ્વલ એવા જાપાને આ સમસ્યાનું એક સમાધાન શોધી રહ્યું છે. જાપાન અત્યારે લાકડામાંથી સેટેલાઇટનું નિર્માણ કરવાનું કાર્ય કરી રહ્યું છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. વિશ્વમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે.
મહત્વનું છે કે, લાકડામાંથી નિર્માણ પામેલો સેટેલાઇટ તાપમાનમાં થતા ફેરફાર તેમજ સૂર્યની ભયંકર ગરમીમાં પણ ટકી રહેશે. આ તમામ પ્રકારના ટેસ્ટ લાકડા પર કરવામાં આવશે અને બાદમાં તેનો સેટલાઇટ બનશે. આ સેટેલાઇટ કામ પૂર્ણ થયા બાદ જ્યારે પરત આવશે ત્યારે સંપૂર્ણ સળગી જશે. જેથી કોઇપણ કાટમાળ કે ટૂકડો બચશે નહીં.
નોંધનીય છે કે, જાપાન જે પ્રકારને અત્યારે લાકડામાંથી સેટેલાઇટ બનાવવાનું કામ કરી રહ્યું છે તે આપણા જ ભાવિ અને ભાવિ પેઢી અને પૃથ્વીના સંવર્ધન અને સંરક્ષણ માટે આવશ્યક છે. તેનાથી અવકાશમાં રહેલા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે અને એક સ્વચ્છ અવકાશ તરફનો માર્ગ પણ ભવિષ્યમાં મોકળો બનશે.
(સંકેત)