લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી, ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ સરકારને નોટિસ
- સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડમાં લવ જેહાદના કાયદા મામલે થઇ સુનાવણી
- સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આ મામલે માંગ્યો જવાબ
- સામાજીક કાર્યકર્તાઓ તેમજ સંગઠનોને લવ જેહાદ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદાના મામલે સુનાવણી થઇ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજીઓનો સ્વીકાર કરતાં બંને રાજ્ય સરકારોને નોટિસ પાઠવીને આ મામલામાં જવાબ માંગ્યો છે. આપને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશમાં હજુ આ માત્ર એક અધ્યાદેશ છે, જ્યારે ઉત્તરાખંડમાં તે 2018માં કાયદો બની ચૂક્યો છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદા હેઠળ જો કોઇ વ્યક્તિ કોઇને લાલચ આપીને, ગેરમાર્ગે દોરીને કે ડરાવી-ધમકાવીને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે તો તેને પાંચ વર્ષની સજા થઇ શકે છે. જો કે કેટલાક સામાજીક કાર્યકર્તાઓ તેમજ સંગઠનોને લવ જેહાદ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
તેમના કહેવા અનુસાર આ કાયદા હેઠળ પોલીસ તેમજ સરકાર પ્રેમ કરનારા લોકો અને પોતાના મા-બાપની મરજી વિરુદ્વ લગ્ન કરનારા લોકોને પરેશાન કરી રહી છે. તે ઉપરાંત તેઓનો એવો પણ આરોપ છે કે તેના દ્વારા માત્ર લઘુમતિઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
સુનાવણી દરમિયાન અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટથી લવ જેહાદની જોગવાઇઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેની પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કરી દીધો હતો.
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશમાં લવ જેહાદની વિરુદ્વ કાયદો બનવાને 1 મહિનો થઇ ગયો છે. બીજી તરફ થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશની કેબિનેટ દ્વારા લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ધર્મ સ્વતંત્ર વિધેયકને રાજ્યમાં અધ્યાદેશ તરીકે લાગુ કરવાની મંજૂરી આપવાનું કામ કર્યું છે.
(સંકેત)