- દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ બન્યું આકર્ષણનું કેન્દ્ર
- ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન થતા પ્રવાસીઓ માટે ખાસ બોટ ચલાવાઇ રહી છે
- ડોલ્ફિનના આ ઝુંડને જોવા માટે પ્રવાસીઓમાં ઉત્સુકતા
દીવ: ભારત અને અન્ય દેશોના પર્યટકો માટે દીવનો દરિયો હરહંમેશ પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિય રહ્યો છે. દીવનો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ પ્રવાસીઓ ખાસ મુલાકાત લેવા આવતા હોય છે. એવામાં હાલના સમયમાં દીવના ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન થતા જ પ્રવાસીઓ માટે ખાસ બોટ ચલાવવામાં આવી રહી છે. દીવના દરિયામાં આ ડોલ્ફિનનું ઝુંડ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
હાલના સમયમાં દીવના દરિયામાં ડોલ્ફિનના આ ઝુંડને જોવા માટે પ્રવાસીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જો કે ડોલ્ફિનને જોવા માટે સવારના સમયમાં જ દરિયામાં પહોંચવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી શિયાળાની ઋતુમાં આ ડોલ્ફિન દીવના દરિયામાં મહેમાન બને છે. કડકડતી ઠંડીમાં આ ડોલ્ફિન દીવના બીચ નજીક આવી પહોંચે છે. સામાન્યપણે સવારે 6 થી 10 વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે. આ પાછળનું કારણ એ છે કે દરિયા આ સમયે શાંત હોવાથી ડોલ્ફિન બીચ નજીકના વિસ્તારોમાં જોવા મળે છે.
એવામાં પ્રવાસીઓ માટે દીવના ઘોઘલા બીચથી ડોલ્ફિન જોવા માટે ખાસ બોટ ચલાવવામાં આવી રહી છે. દીવના દરિયામાં 30થી 60 જેટલી ડોલ્ફિન જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વધારે ડોલ્ફિનનું દીવના દરિયામાં આગમન થાય તેવું સ્થાનિકો માની રહ્યા છે.
મહત્વનું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દીવના દરિયામાં ડોલ્ફિન જોવા મળતી હોય છે. શિયાળા દરમિયાન વધુ જોવા મળતી ડોલ્ફિન માટે પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં જતા હોય છે. એવામાં પ્રવાસીઓ આશા સેવી રહ્યા છે કે આગામી સમયમાં વધુ પ્રમાણમાં ડોલ્ફિન દીવના દરિયામાં આવે.
(સંકેત)