અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુઃ ખાનગી હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. એક સમયે રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવતા હતા. જો કે, અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 90 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. શહેરની 93 હોસ્પિટલોમાં અત્યારે માત્ર 346 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 40 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં ખાનગી કોવિડ હોસ્પિટલોમાં અત્યારની સ્થિતિએ કુલ 3529 બેડની કેપેસિટી છે. જેમાંથી 346 દર્દીઓ સારવાર મેળવી રહ્યાં છે. જ્યારે 3183 બેડ ખાલી રહ્યાં છે. 210 વેન્ટિલેટર બેડ, આઈસીયુમાં 472, આઈસોલેશનમાં 1342, એચડીયુમાં 1159 બેડ ખાલી છે. આઈસીયુમાં 67, આઈસોલેશનમાં 95 અને એચડીયુમાં 144 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સને પણ ડિસેમ્બર મહિનામાં સૌથી ઓછા કોલ મળ્યાં હતાં. અમદાવાદમાં ડિસેમ્બર મહિનામા કોરોનાના 2885 કેસ આવ્યાં હતાં. જે કોરોનાના સંક્રમણમાં ધરખમ ઘટાડો થયાનું દર્શાવી રહ્યાં છે.