કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડથી વધારે કરાયાં કોરોના ટેસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પોઝિટિલ કેસ શોધી કાઢવા માટે સરકાર દ્વારા સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સરેરાશ 50 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી પોઝિટિવ કેસ સરળતાથી મળી રહે. જેના પરિણામે જ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાનું મનાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 47 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 737.57 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 2.49 લાખ પોઝિટિવ કેસ નોંધાયાં છે. જે પૈકી 2.37 લાખ જેટલા દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો કોરોના રિકવરી રેટ 95 ટકા નજીક પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીમાં 4332 દર્દીઓના મોત થયાં છે.