સુરતઃ જિલ્લામાં દીપડાંની વસતીમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વધારો થયો છે. અવાર નવાર દીપડાઓ જંગલ વિસ્તાર છોડી શિકારની શોધમાં માનવ વસતી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે દીપડાએ ઢોર ચરાવી રહેલા બાળક પર હુમલો કર્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આકરોડ ગામની સીમમાં ત્રણ બાળકો પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન શેરડીના ખેતરમાંથી આવેલા ખૂંખાર દીપડાએ ત્રણ પૈકી એક અંદાજિત 10 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો અને બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને દીપડાંને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે.
વન વિભાગના સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આકરોડ ગામની સીમમાં ત્રણ આદિવાસી બાળકો શાળામાં રજા હોવાથી પશુઓને લઈને ગામની સીમમાં ચરાવવા લઈ ગયા હતા. તે દરમિયાન શેરડીના ખેતરમાંથી એક ખૂંખાર દીપડો આવ્યો હતો અને ત્રણ પૈકી એક અંદાજિત 10 વર્ષીય બાળક વસાવા સતિષ મહેશભાઈ પર હુમલો કરી બાળકને ગળાના ભાગે નોર માર્યા હતા અને શેરડીના ખેતરમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જેથી બાળકનુ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે અન્ય બાળકોએ બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડી શેરડીના ખેતર તરફ ભાગી ગયો હતો. આ બનાવની જાણ થતાં ગામના સરપંચ, આગેવાનો અને ગામના સ્થાનિક લોકો સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ બાળકને બચાવી શક્યા ન હતા.
સુરત જિલ્લા વન વિભાગના અધિકારી આંનદ કુમારે જણાવ્યું હતું. કે, સવારના 10 વાગ્યાની આજુબાજુ આકરોડ ગામની સીમમાં એક 10 વર્ષિય બાળક પશુ ચરાવવા ગયો હતો. ત્યા પાંચ વર્ષના એક વાઈલ્ડલેફ નર દીપડાએ પાછળથી બાળક પર હુમલો કરી દીધો હતો. જેથી બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ બાળકને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, પ્રાથમિક તપાસથી હુમલાનુ કારણ એ હોઈ શકે કે, દીપડા એ બાળકને પાછળથી જાનવર સમજીને શિકાર કર્યો હોય એમ લાગે છે. એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે દિપડો 4થી 5 દિવસમાં પકડાઈ જશે.
શેરડીના ખેતરમાં ભાગી ગયેલો દીપડો થોડીવારમાં ફરી ખેતરના શેઢે આવતા એક સ્થાનિકે દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં દીપડો પ્રાથમિક અનુમાનમાં પાંચ વર્ષનો નર હોવાનું માલુમ પડ્યું હતું. હાલ તો વન વિભાગની ટીમે શેરડીના ખેતરની ફરતે પાંજરા તેમજ ટ્રેપ કેમેરા ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળેથી લોકોને દૂર કર્યા હતા.