દાહેદઃ 10 વર્ષની દીકરીએ પોતાના દાદીને બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી હતી. મોડી રાતે દાહોદના એક અંતરિયાળ ગામમાં બે મિનિટ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું, દીકરીએ પોતાના જીવની પરવા કર્યા વિના દીપડાનો સામનો કર્યો હતો અને દાદીનો જીવ બચાવવામાં સફળ રહી હતી.
વન વિભાગના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ લીમખેડા તાલુકાના પાડા ગામમાં એક 10 વર્ષની દીકરીએ દીપડાનો સામનો કરીને પોતાના દાદીનો જીવ બચાવ્યો હતો. ‘હિરલ, જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે, તેના ઘર બહાર 59 વર્ષીય દાદી ચંપા ચૌહાણની બાજૂમાં ઊંઘતી હતી. એક દીપડો દાદી ચંપા પાસે આવ્યો હતો અને તેમના માથાને જડબામાં દબાવી દીધું હતું. ચંપાએ પીડામાં ચીસો પાડતાં તેમની પૌત્રી હિરલ જાગી ગઈ હતી. દીપડાએ મહિલાને ઢસેડવાનું શરૂ કર્યું હતું, પરંતુ હિરલ મદદ માટે બૂમો પાડવા દરમિયાન દાદીને વળગીને દીપડાંનો સામનો કર્યો હતો. હિરલ અને દીપડા વચ્ચે થોડી લડાઈ બાદ, દીપડાએ આખરે ચંપાને છોડી દીધા હતા. દરમિયાન પાડોશીઓ પણ બંનેની મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા. ચંપાને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે. ચંપાને છોડ્યા બાદ દીપડાએ નજીકમાં એક બકરીનો શિકાર કર્યો હતો અને તેને ઝાડ પર લઈ જઈને ફાડી ખાધી હતી.
વન વિભાગના અધિકારીએ જમાવ્યું હતું કે, ઉનાળામાં જંગલમાં પાણીનો સ્ત્રોત સૂકાઈ જાય છે, તેથી શક્ય છે કે દીપડો તરસ્યો હોવાથી જંગલ બહાર આવ્યો હોય અને અંધારામાં શિકાર કરવાનો પ્રયાસ કર્યો હોય, આદમખોર દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ પાડા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં પાંજરા મૂક્યા છે. લિમખેડામાં છેલ્લા ચાર દિવસમાં આવો બીજો કિસ્સો છે. 21 મેની વહેલી સવારે દીપડાએ ફુલપુર ગામમાં ઘર બહાર ઉંઘી રહેલી બે દીકરીઓ પર હુમલો કર્યો હતો.