સુરતઃ નદી લોકમાતા ગણાય છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીનો અષાઢ સુદ સાતમ એટલે કે 13મી જુલાઈના રોજ પ્રાગટ્ય દિવસ છે. સુરત શહેરમાં તાપી માતાના જન્મ દિવસની ઊજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જહાંગીરપુરાના પૂજય મોટા સૂર્યોદય ઘાટ પર 1100 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવશે. તાપી માતાના જન્મ દિવસની ઊજવણી પહેલાં રવિવારે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ઓવારા અને કિનારા પર સફાઈ અભિયાન કરીને કચરો ઉલેચવામા આવ્યો હતો. અષાઢ સુદ સાતમને 13મી જુલાઈના રોજ ચુંદડી અર્પણ કરવામાં આવશે.
સુરત શહેર સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું છે અને તેના માટે સુરતને સૂર્યપુર કહેવાય છે. સુરતમાં તાપી નદીના વિવિધ ઓવારા પર તાપી માતાના જન્મદિવસની ઊજવણી ભારે ધામધૂમ પૂર્વક કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના પ્રાગટ્ય દિવસે સુરતમાં કુરૂક્ષેત્ર ધામના પૂજયમોટા સૂર્યોદય ઘાટ પર મા તાપી નદીને 1100 મીટરની ચૂંદડી અર્પણ કરવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગત રવિવારના દિવસે સુરતની વિવિધ સંસ્થાઓએ આ ઘાટ પર સફાઈ કરીને તાપી નદીમાંથી ગંદકી બહાર કાઢીને ઘાટની સફાઈ કરી હતી તાપી માતા જન્મ દિવસની ઉજવણી પહેલાં કુરુક્ષેત્ર ટ્રસ્ટ પૂજય મોટા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈ ઝુંબેશમાં રવિવારના રોજ 100 જેટલા કાર્યકરો જોડાયા હતા, ગુરુકુળ સ્કૂલ, મોરાભાગલ, ગાયત્રી પરિવાર, રાંદેર પીપલ્સ બેંક, સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, સ્પોર્ટ્સ મેન, વિવિધ મંડળો જોડાયા હતા અને મોટા પ્રમાણમાં કચરો બહાર કાઢ્યો હતો.