અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 13 વર્ષનો ઓમ ગંઢેચા મુંબઈમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. દીકરાનું અવસાન થયાની જાણ થતા જ જામનગરમાં રહેતો પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. બીજી તરફ ઓમના પાર્થિવ દેહને હવાઈ માર્ગે જામનગરમાં લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કિશોર ઓમ ગંઢેચાના પિતા સચીનભાઈ જામનગરના વેપારી હોવાનું જાણવા મળે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. આવા બનાવોને અટકાવવા માટે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં તાજેતરમાં જ ધો 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ત્યારે હવે વધુ એક વિદ્યાર્થીના અવસાનથી ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતા મુદ્દિત નડિયાપરા નામનો વિદ્યાર્થી પોતાના ક્લાસરૂમમાં બેઠો હતો. ત્યારે અચાનક જ બેભાન થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે 108 અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.