- નબળા બાંધકામની વરસાદે પોલ ખાલી,
- અગાઉ એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ પાસેની કેનોપી તૂટી પડી હતી,
રાજકોટઃ શહેરની ભાગોળે હીરાસર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન વે નજીકની 15 ફુટ ઊંચી દીવાલ વરસાદને લીધે તૂટી પડી છે. આ એરપોર્ટની અગાઉ કેનોપી તૂટી પડી હતી અને હવે દીવાલ પડી છે. તૂટી પડેલી દીવાલ રન-વેથી ખૂબ જ નજીક હતી. એરપોર્ટની 15 ફૂટ ઊંચી દીવાલ તૂટી પડતાં વરસાદે નબળા બાંધકામની પોલ ખોલી નાંખી છે.
રાજકોટમાં ચોટિલા હાઈવે પર હીરાસર ગામ નજીક કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્ણાણ કરાયું છે. જેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરાયું હતું. એરપોર્ટ બન્યાને હજુ એક વર્ષનો પણ સમય થયો નથી. ત્યારે અગાઉ વરસાદને લીધે કેનોપી તૂટી ગઈ હતી. ત્યારબાદ ફરીવાર વરસાદને કારણે રન-વેની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હતી. એક વર્ષ પહેલા જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ નબળુ હોવાની ફરિયાદો ઊઠી છે. તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને લીધે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રન-વે પાસેની બોર્ડરની દીવાલનો મસમોટા ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે, સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી.
રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વે નજીકની 15 ફૂટ ઊંચી દીવાલ અચાનક તૂટી પડતા દોડાદોડી થઈ ગઈ હતી. જેને કારણે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ દોડી ગયા હતા. દીવાલનો મોટો ભાગ ધરાશાયી થઈ જતાં સમગ્ર માચડો વરસાદી પાણીમાં વહી ગયો હતો. એરપોર્ટની દીવાલ તૂટતાંની સાથે જ બાજુમાં જ આવેલા ખેતરોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ બાબતે જ્યારે એરપોર્ટ ડિરેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. અગાઉ આ એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ પાસેની જ કેનોપી અચાનક તૂટી પડી હતી અને તે બાદ તપાસનું નાટક કરવામાં આવ્યું હતું. બાદમાં હવે આ એરપોર્ટ ઉપર ફ્લાઈટ જ્યાંથી ઉડાન ભરે છે, તેની બોર્ડર પાસેની દીવાલ અચાનક તૂટી પડી હતી.