અમેરિકાની શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું ખુલ્લેઆમ ફાયરિંગ,ત્રણ વિદ્યાર્થીઓના મોત,શિક્ષક સહિત 8 ઘાયલ
- અમેરિકાની શાળામાં થયું ફાયરિંગ
- 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું ફાયરિંગ
- ૩ ના મોત, શિક્ષક સહિત 8 ઘાયલ
દિલ્હી:અમેરિકાના નોર્થ ડેટ્રોઇટમાં મંગળવારે એક શાળામાં 15 વર્ષના વિદ્યાર્થીએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું,જેમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા જયારે ઓછામાં ઓછા 8 લોકો ઘાયલ થયા હતા. વહીવટીતંત્રે કહ્યું કે,આ વર્ષે અમેરિકાની શાળામાં ગોળીબારની સૌથી આઘાતજનક ઘટનાઓમાંની એક છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘાયલોમાં એક શિક્ષક પણ સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે,પોલીસને બપોરે લગભગ 12:55 વાગ્યે જાણ કરવામાં આવી હતી કે,ઓક્સફોર્ડ ટાઉનશીપના ઓક્સફર્ડ હાઈસ્કૂલમાં એક બંદૂકધારી છે. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે,મૃતકોમાં એક 16 વર્ષીય વિદ્યાર્થી, એક 14 વર્ષનો અને એક 17 વર્ષનો સમાવેશ થાય છે.તો, ઘાયલોમાંથી 6ની સ્થિતિ સ્થિર છે અને બે લોકોની સર્જરી કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું કે,એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. જો કે, આ ગોળીબારનું કારણ શું હતું તે તેણે તાત્કાલિક જણાવ્યું ન હતું. શંકાસ્પદ વિદ્યાર્થીએ ધરપકડ સમયે વિરોધ કર્યો ન હતો અને ઘટના પાછળના કારણ અંગે કોઈ નિવેદન આપ્યું ન હતું. આરોપીએ વકીલની માંગણી કરી છે.