વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેધરાજા બેટિંગ કરી રહ્યા છે, જેમાં ઉંમરગામ તાલુકામાં તો નવ ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. દરમિયાન ઉંમરગામની નજીક આવેલા નારગોલ ગામે ભારે વરસાદને કારણે 200 વર્ષ જુનું મકાન ધરાશાયી બન્યું હતું. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, દરમિયાન હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આજથી આદ્રા નક્ષત્ર બેસી જતાં આગામી એક સપ્તાહ દરમિયાન વરસાદ પડશે. જેમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ ઝાપટાંરૂપી વરસી રહ્યો છે. જેમાં ઉંમરગામ તાલુકામાં નવ ઈંચથી વધુ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન તાલુકાના નારગોલ ગામે પારસી પરિવારનો 200 વર્ષ જુનું મકાન તુટી પડ્યુ હતું. લાંબા સમયથી બંધ હોવાથી જર્જરિત થઈ જવાથી ભારે વરસાદ દરમિયાન ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના રહિશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. મકાન માલિકો બહારગામ રહેતા હોવાથી મકાન તૂટી પડયાની જાણકારી વહેલી તકે મકાન માલિકોને પહોંચે અને જોખમી મકાનનો પણ જમીનદોસ્ત કરવામાં આવે તે દિશામાં ગ્રામ પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પારસીઓના ઇતિહાસ સાથે જોડાયેલા નારગોલ ગામમાં પારસીઓનું અસ્તિત્વ વર્ષો જૂનો છે. આજે ગામમાં 300થી 500 વર્ષ જૂના પારસીઓના મકાનોમાં અવશેષો જોવા મળે છે. વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવેલા મકાનો આજના આર્કિટેક્ટને પણ આકર્ષિત કરે છે. આર્કિટેક કોલેજના વિદ્યાર્થીઓ નારગોલમાં રહેલા પારસીઓના જૂના મકાનોની મુલાકાત કરી કંઈક નવું શીખે છે. જે તે સમયે વેજીટેબલ કલરથી ચીતરેલા નકશીકામ તેમજ ચુનાનું પ્લાસ્ટરવાળા મકાનો વર્ષોથી અડીખમ છે.(file photo)