વડોદરાઃ અમદાવાદ-મુંબઈ વચ્ચેનો નેશનલ હાઈવે સતત 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. દેશનો સૌથી વ્યસ્ત હાઈવે ગણાય છે. ત્યારે આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર જોવા મળી રહ્યા છે. વડોદરા નજીક બુધવારે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. ભારે ટ્રાફિકજામમાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. હાઇવે પરના બ્રિજ સાંકડા હોવાથી સમસ્યા ઊભી થતી રહેતી હોય છે.
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસે હાઈવે પર ગાબડાં પડી જતાં સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ સર્જાયો હતો. અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિકજામ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ટ્રાફિક જામને લીધે વાહનચાલકો જ નહીં, આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. બુધવાર સવારથી જ વડોદરા પાસે નેશનલ હાઇવે પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેમાં જાંબુવાબ્રિજથી તરસાલી બ્રિજ તરફ અનેક લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. અવારનવાર થતાં ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન છે. અમદાવાદથી સુરત અને મુંબઈ તરફ જઈ રહેલા ખાનગી વાહનચાલકો પરેશાની વેઠી રહ્યા છે.
વડોદરા નજીક જાંબુવાબ્રિજ પર અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી રહી છે. બ્રિજ પાસે હાઇ વે પર ગાબડા પણ ઘણાં હોવાના કારણે વાહચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફની લેનમાં ભારે ટ્રાફિકજામ થઈ રહ્યો છે, જેને કારણે વાહનોની લાઈનો લાગી જાય છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બ્રિંજ પાસે ગાબડાં પુરવાની ફુરસદ મળતી નથી. હાઈવે પર શા માટે ટ્રાફિક જામ થાય તે માટે તપાસ કરવામાં આવતી નથી. હાઈવે પરના સાંકડા બ્રિજ હોવાથી ત્યાં ખાડા પડી જતાં ટ્રાફિકજામ થઈ જાય છે. આ ઉપરાંત અકસ્માત થતાં અવારનવાર ટ્રાફિકજામ થતા હોય છે, જેથી જે સાંકડા બ્રિજ છે એને પહોળા કરવાની માગ ઊઠી છે.