ગાંધીનગરઃ નર્મદા નદીની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં નર્મદા નદીકાંઠાના બન્ને બાજુ 320 કિમીના પરિક્રમા પથને અંદાજિત 40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીના પરિક્રમાના પથને 40 કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવાશે. જેમાં પ્રથમ તબક્કે વમળેશ્વર ખાતે યાત્રિકોની કાયમી સુવિધા વધારવામાં આવશે. જેમાં ડોરમેટરી, પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, જુદા-જુદા પ્રવેશ દ્વાર, પાથ-વે, શૌચાલય વગેરે કામોનું કાયમી ધોરણે વિવિધ સુવિધાઓ ઉભી કરવાનું આયોજન છે. નર્મદા નદીકાંઠાના પરિક્રમા પથ પર સુવિધાઓ ઉભી થવાથી ધર્મપ્રેમી જનતા સુખરૂપ અને સુવિધાયુકત રીતે મા નર્મદાની પરિક્રમા સંપન્ન કરી શકશે.
આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું હતું. કે, ગુજરાતમાં 320 કિ.મીના પરિક્રમાપથ ઉપર પરિક્રમાવાસીઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચનાનુસાર પીવાના શુદ્ધ પાણી, શૌચાલય તથા સી.સી.ટી.વી અને અગ્નિશામક સાધનો, હેલ્પ ડેસ્ક, સુરક્ષા વ્યવસ્થા, હાઉસકીપીંગ, ટેમ્પરરી રસોડાઓ સાથેની તમામ સુવિધાઓ સાથેના 1000 બેડની ક્ષમતાવાળા હંગામી વિસામાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વમલેશ્વર ખાતે રાત્રી રોકાણની પરંપરા છે અને આ પરંપરા અનુસાર વમલેશ્વર ખાતે રાત્રીરોકાણ કરતા યાત્રિકોને કોઈ અગવડતા પડે નહી અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે એ માટેની આવશ્યક વ્યવસ્થાઓ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં રૂ. 2.17 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી છે.
તદુપરાંત ભરૂચ જિલ્લાના મઢી આશ્રમ, રામકુંડ આશ્રમ તથા બલબલા કુંડ ખાતે યાત્રિકો માટેની રાત્રીરોકાણ માટેની કાયમી સુવિધાઓ રૂ. 4.06 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવી રહી છે. જેનાથી પરિક્રમાવાસીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.