Site icon Revoi.in

કચ્છના ભચાઉ શહેરના કંથડનાથના કિલ્લા પર 41 ફુટ ઊંચી શિવજીની પ્રતિમાની અર્પણવિધી કરાશે

Social Share

ભચાઉ : શહેરના પ્રાચીન કંથડનાથજી કિલ્લા પર 41 ફૂટની શિવજીની પ્રતિમાની પૂજન-અર્ચન સાથે અર્પણવિધિ 6ઠ્ઠી સપ્ટેમ્બરના કરાશે. આ પૂર્વે માંડવી ચોક શિવાલયથી વિશાળ શોભાયાત્રા, બાઈક રેલી, કંથડનાથજી મંદિરે જશે. બે વર્ષ પૂર્વે મહાશિવરાત્રિના ભૂમિપૂજનનું કાર્ય થયું હતું.

ભચાઉ શહેરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ જ્ઞાતિઓ, વેપારી મંડળો, અને નગરપાલિકા તરફથી કંથડનાથજી કિલ્લાને દર્શનીય પર્યટન ધામ બનાવવાની તત્પરતા દેખાડાઈ હતી. બેઠકમાં નગરપાલિકા શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજાએ આમ પ્રજા આ કાર્યમાં ઉમંગભેર જોડાય તેવી અપીલ કરી હતી. જેના પ્રતિસાદ રૂપે શિવજીની મૂર્તિની અર્પણવિધિ સમયે ભચાઉમાં સાંજે 4 વાગ્યાથી દુકાનો બંધ રાખવા વેપારી મંડળ તરફથી જાહેર કરાયું હતું. યુવાનો દ્વારા બાઈક રેલી યોજાશે અને તા. 3જીથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ઘરે-ઘરેથી જળ એકઠું કરીને છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ અભિષેક કરાશે. શ્રાવણના અંતિમ સોમવારે વિવિધ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પણ થશે.

ભચાઉના સંતો-મહંતો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. અખંડ ધૂન, સંધ્યાગિરિ આશ્રમના ઋષિકુમારો શ્લોક પઠન જેવા કાર્યક્રમો થશે. નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન ઉમિયાશંકર જોશીએ ભગવાન શિવ ભચાઉની જનતા પર આશીર્વાદ વરસાવે એવી મંગળ કામના કરી હતી. નગરની મુખ્ય જનવસ્તી – રાષ્ટ્રીય ધોરીમાર્ગથી દેખાતી આ વિશાળ કદની શિવજીની પ્રતિમાનું નિર્માણ કાર્ય તત્કાલીન નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા શરૂ કરાયું હતું. નગરપાલિકા ઉપપ્રમુખ ભરતસિંહ રણજિતસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકરભાઈ જોશી, વેપારી મંડળ પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા, વિકાસભાઈ રાજગોર, પૂર્વ પ્રમુખ આઈ.જી. જાડેજા વગેરે હાજર રહ્યા હતા. નવનિર્મિત વિશાળ કદની આ પ્રતિમાનું નામકરણ ચંદ્રમૌલેશ્વર કરાયું હતું. આ કાર્યની સમાંતર જીવદયા, પ્રસાદ વિતરણ કરાશે.  (ફાઈલ ફોટો)