Site icon Revoi.in

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અંકલેશ્વર પાસે સર્જાયો 5 કિમી લાંબો ટ્રાફિક જામ

Social Share

ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત 24 કલાક ધમધમતો રહે છે. આ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ અવાર-નવાર સર્જાતા હોય છે. ત્યારે હાઈવેની અંકલેશ્વરથી સુરત જતી લેન પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાયો હતો. આ લેન પર 5 કિમીના ટ્રાફિકજામથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ વરસાદને લીધે હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા અવાર-નવાર સર્જાતી હોય છે. આ હાઈવે પર વાલિયા ચોકડી નજીક રોડ સાંકડો હોવાથી આ સમસ્યા રોજિંદી બની ગઈ છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામની સમસ્યા કોઈ એક દિવસની નથી પરંતુ રોજ આજ રીતે ટ્રાફિકજામ રહેતો હોય છે અને રોજિદી ટ્રાફિક જામની હાઈવે ઓથોરિટીને પણ ફરિયાદો કરવામાં આવી છે. પણ તેના ઉકેલ માટે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.  વાલીયા ચોકડી પાસે હાઈવે પર ટ્રાફિકનું મેનેજ કરતી ટ્રાફિક પોલીસ પણ આ સમસ્યાથી કંટાળી ગઈ છે,આ રોડ મુંબઈ સુધી જોડાયેલો છે માટે ભારે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે. અને વાહનો ટ્રાફિકમાં ફસાતા ઈંધણનો પણ વ્યર્થ થાય છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ ટ્રાફિક જામની સમસ્યાથી વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કંટાળાજનક બનતું હોય છે. ઘણીવાર તો એવી સ્થિતિ સર્જાતી હોય છે કે કલાકો સુધી ટ્રાફિક આગળ વધતો જ નથી અને તેના કારણે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે. આ ટ્રાફિક જામને લઈ ધારાસભ્યને પણ અવાર-નવાર રજૂઆત કરી છે પણ નિરાકરણ આવતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો. જેમાં સુરતમાં મુશળધાર વરસાદને કારણે માંડવા પાસે હાઇવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા .પ્રથમ વખત હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો હાઇવે ઉપર પાણીના કારણે 10 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.