- અડધી રાતે લોકોએ મગરનો જોતા બુમાબુમ કરી મુકી,
- બે કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું,
- વિશ્વામિત્રી નદીમાં 441 મગરોનો વસવાટ
વડોદરાઃ શહેરમાં વિશ્વીમિત્રી નદી કાંઠા વિસ્તારની સોસાયટીઓમાં હવે ગમે ત્યારે મગરો આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિશ્વામીત્રી નદી કાંઠા વિસ્તારમાં કોટોશ્વરમાં અડધી રાતે 7 ફુટના મસમોટો મગર દેખાતા સ્થાનિક રહેવાસીઓએ બુમાબુમ કરી મુકી હતી, આ બનાવની વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ તેમજ મગરોનું રેસ્ક્યુ કરતી સેવા ભાવી સંસ્થાના કાર્યકર્તાઓની ટીમ આવી પહોચી હતી. અને બે કલાકની જહેમત બાદ 7 ફુટના મગરનું રેસ્ક્યુ કર્યુ હતું.
વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત્ જૉવા મળી રહ્યો છે. ચોમાસાએ વિદાય બાદ મગરો પોતાનાં વસવાટથી બહાર નીકળી રહ્યા છે. કોટેશ્વર પાસેથી વિશ્વામિત્ર નદી પસાર થાય છે. અહીંયાં અવારનવાર મગર દેખાતા હોય છે. ત્યારે વધુ એક મગર રહેણાંક વિસ્તાર તરફ આવતાં રેસ્ક્યૂ ટીમ સાથે વનવિભાગે મળી 2 કલાકની ભારે જહેમત બાદ 7 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગતરાત્રે 1 વાગ્યાની આસપાસ વડસર કોટેશ્વર ગામ પાસેથી એક કોલ મળ્યો હતો કે એક સાત ફૂટનો મગર રોડ ઉપર તેમના નિવાસસ્થાન નજીક આવી ગયો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વિશ્વિમિત્રી નદીમાં મગરોની સંખ્યા વધતી જાય છે. વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરોનો વસવાટ છે.
મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.