1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં આગામી તારીખ 22થી 24 જાન્યુઆરીએ બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે
ગાંધીનગરમાં આગામી તારીખ 22થી 24 જાન્યુઆરીએ બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે

ગાંધીનગરમાં આગામી તારીખ 22થી 24 જાન્યુઆરીએ બી-20 ઇન્સેપ્શનની બેઠક યોજાશે

0
Social Share

અમદાવાદઃ ભારતે જી-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માગે છે. ભારત માટે જી-20ની અધ્યક્ષતા દેશના ઇતિહાસમાં નિર્ણાયક બાબત છે, કારણ કે તે આઝાદી કા અમૃત મહોત્સવ સાથે એકરૂપ થશે. જી-20ની બેઠકો ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ યોજાશે. જેમાં પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ આગામી તા.22મીથી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે. બી-20 ઇન્સેપ્શનના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, કાપડ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમ્યુનિકેશન્સ અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ જી-20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત ઉપસ્થિત રહેશે.  બી-20 ઈન્ડિયા હેઠળ બિઝનેસ એજન્ડા પર પરિણામલક્ષી ચર્ચાઓ અને વિચાર-વિમર્શને પ્રોત્સાહિત કરવા માટે બી-20ના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને 150થી વધુ પોલિસી મેકર્સ, થોટ લીડર્સ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ, સીઇઓ અને જી-20 દેશોની એન્ટરપ્રાઇઝોનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એક્ઝિક્યુટિવ્સ તેમજ સંખ્યાબંધ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉદ્ઘાટન બેઠકમાં હાજરી આપશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જી-20 પ્રતિનિધિઓ માટે રાત્રિભોજનનું આયોજન કરશે અને ત્યારબાદ મહાત્મા મંદિરમાં દાંડી કુટીરની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ મહાત્મા મંદિરના એમ્ફી થિયેટર ખાતે ગરબા અને દાંડિયાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પણ અનુભવ કરશે. સરકારે ગાંધીનગરના પુનિત વનમાં જી-20 પ્રતિનિધિઓ માટે યોગ અને આયુર્વેદ સત્રનું પણ આયોજન કર્યું છે. આ સાથે, કાર્યક્રમના સ્થળ પર લાઇવ ક્રાફ્ટ ડેમો અને બાજરી સ્ટેશન પણ ઊભું કરવામાં આવશે. આ પ્રતિનિધિઓ ઉભરતા વૈશ્વિક ફિન-ટેક સિટી, ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે. તેમજ ગુજરાતના વારસા અને સંસ્કૃતિની ઝલક મેળવવા માટે તેઓ અડાલજની વાવની મુલાકાત લેશે અને ત્યારબાદ પુનિત વન ખાતે ઇકો ટુર કરશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, બી-20 ઇન્સેપ્શન બેઠકનો મુખ્ય કાર્યક્રમ બી-20 ઇન્ડિયા સેક્રેટેરિએટ દ્વારા બનાવવામાં આવ્યો છે. જે “R.A.I.S.E રિસ્પોન્સીબલ, એક્સલરેટેડ, ઇનોવેટિવ, સસ્ટેનેબલ એન્ડ ઇક્વીટેબલ બિઝનેસ જવાબદાર, ઝડપી, નવીન, ટકાઉ અને સમાન વ્યવસાયો”ના વિષય પર આધારિત હશે. ઇન્સેપ્શન મીટિંગ બી-20 ઈન્ડિયા હેઠળના તમામ ટાસ્ક ફોર્સ અને એક્શન કાઉન્સિલના પ્રમુખપદના કાર્યને ઔપચારિક રીતે શરૂ કરશે. આ મીટિંગમાં નક્કી કરેલી પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવામાં આવશે અને આ મીટિંગ લીડર્સ સમિટ પહેલા જી-20માં સબમિટ કરવા માટેના પોલિસી રેકમેન્ડેશન્સ ઘડવાની દિશામાં કામ શરૂ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code