લખનૌઃ બાંગ્લાદેશની એક મહિલા બરેલીના દેવર્નિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદયપુર ગામમાં 35 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને રહેતી હતી. જો કે, મહિલાએ પાસપોર્ટ માટે અરજી કરતા તેની હકીકત સામે આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને મહિલાની અટકાયત કરી હતી. તેમજ કોર્ટમાં રજુ કરી હતી. અદાલતે મહિલાને જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ધરપકડ કરાયેલ મહિલા અનિતા બાંગ્લાદેશના જેસોર જિલ્લાના સારસા પોલીસ સ્ટેશનના બેડી નારાયણપુર નજરાન ગામની વતની છે. જો કે, મહિલા ઉદયપુરના એક વ્યક્તિની પત્ની તરીકે રહેતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશમાં મહિલાના સંબંધી બીમાર હોવાથી તેણે બાંગ્લાદેશ જવાના ઈરાદે પાસપોર્ટ માટે અરજી કરી હતી. જેથી સ્થાનિક પોલીસે આ અંગે તપાસ કરતા મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પણ સમગ્ર ઘટનાને લઈને ગંભીરતાથી તપાસમાં જોડાઈ છે. દરમિયાન લોકલ ઈન્ટેલિજન્સ યુનિટ (LIU) પણ ગામમાં પહોંચીને તપાસ કરી હતી.
ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર સિંહ ધામાએ જણાવ્યું કે મહિલાના પરિવારના સભ્યોના મોબાઈલ ફોનના સીડીઆરની તપાસ કરવામાં આવી રહી છે જેથી તે બાંગ્લાદેશમાં કોની સાથે વાત કરતી હતી તે જાણી શકાશે.
મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, ઘણા વર્ષો પહેલા તે બાંગ્લાદેશથી ઘરેલુ સહાયક તરીકે કામ કરવા માટે ભારત આવી હતી. મજૂરોને ભારત લાવનાર વ્યક્તિએ તેને સરહદ પાર કરાવી હતી. ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભટક્યા બાદ તે બરેલી પહોંચી હતી. અહીં એક ફેક્ટરીમાં મજૂર તરીકે કામ કરતી વખતે તેની ઓળખ ઉદયપુરના રહેવાસી એક વ્યક્તિ સાથે થઈ હતી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા. દંપતીને ત્રણ પુત્ર અને બે પુત્રી છે.