- અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને મોટો નિર્ણય
- 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા
- ડોગ સ્ક્વોડ આતંકીઓ પર રાખશે નજર
શ્રીનગર : અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ પોતાની વિશેષ ડોગ સ્ક્વોડ તૈનાત કરી છે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈના રોજ પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલના બે પરંપરાગત માર્ગોથી શરૂ થશે.
સીઆરપીએફમાં 137 બટાલિયનના કમાન્ડન્ટ રમેશ કુમારે કહ્યું કે તીર્થયાત્રીઓએ ડરવાનું કંઈ નથી. CRPFમાં 137 બટાલિયનના કમાન્ડન્ટ રમેશ કુમારે કહ્યું કે અમે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અહીં તૈનાત છીએ. યાત્રાળુઓને ડરવાની કોઈ વાત નથી, અમે અહીં ખંતપૂર્વક કામ કરી રહ્યા છીએ.
બેઝ કેમ્પમાં સીસીટીવી કેમેરા, બોડી સ્કેનર લગાવવામાં આવશે
અમરનાથ યાત્રા માટે યાત્રિકોના મુખ્ય બેઝ કેમ્પમાં અને તેની આસપાસ 29 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવશે. જમ્મુના ભગવતી નગર ખાતેનો યાત્રી નિવાસ દેશભરના યાત્રાળુઓ માટે મુખ્ય આધાર શિબિર તરીકે સેવા આપે છે. તીર્થયાત્રીઓ અહીંથી 3,880 મીટરની ઉંચાઈ પર અમરનાથની પવિત્ર ગુફા મંદિરમાં બરફના શિવલિંગના દર્શન કરવા નીકળે છે. આ કેમેરા ઈલેક્ટ્રોનિક રીતે સમગ્ર વિસ્તારનું ચોવીસ કલાક મોનિટરિંગ કરશે. આ સિવાય ત્યાં ચાર બોડી સ્કેનર પણ લગાવવામાં આવશે.
આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે આ વખતે પ્રશાસને યાત્રાને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરી છે. પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે પ્રશાસને ત્યાં યાત્રીઓના રહેવા અને ભોજનની પણ ખૂબ જ વૈભવી વ્યવસ્થા કરી હતી.