Site icon Revoi.in

કેન્દ્ર સરકારના બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહારને મોટી ભેટ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ માટે લગભગ 15 હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિહારમાં રોજ પ્રોજેક્ટ માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. બિહારમાં 21 હજાર કરોડના પાવર પ્લાન્ટનું પણ એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારને આર્થિક સહાય પણ કરવામાં આવશે.

આંધ્રપ્રદેશ માટેના બજેટની જાહેરાત કરતા, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ‘સરકારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સંકલિત પ્રયાસ કર્યો છે. બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્રપ્રદેશને નાણાકીય સહાયની સુવિધા આપશે. ચાલુ નાણાકીય વર્ષમાં 15 હજાર કરોડ રૂપિયા અને આગામી વર્ષોમાં વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. પોલાવરમ સિંચાઈ યોજનાને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. તેનાથી આપણા દેશને ખાદ્ય સુરક્ષામાં પણ મદદ મળશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો છે. આર્થિક વિકાસ માટે મૂડી રોકાણ માટે એક વર્ષ સુધી વધારાની ફાળવણી છે. ‘અધિનિયમમાં રાયલસીમા, પ્રકાશમ અને ઉત્તર કોસ્ટલ આંધ્ર પ્રદેશના પછાત વિસ્તારો માટે અનુદાન.’

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, ‘બિહારના પીરપેંતી ખાતે રૂ. 21,400 કરોડના ખર્ચે 2400 મેગાવોટનો નવો પાવર પ્લાન્ટ સ્થાપવા સહિત પાવર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. બહુપક્ષીય વિકાસ બેંકો પાસેથી બાહ્ય સહાય માટેની બિહાર સરકારની વિનંતીઓ પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે.