Site icon Revoi.in

લોકસભાની સુરક્ષામાં મોટી ચુક, પ્રેક્ષક ગેલરીમાં બે વ્યક્તિ કુદયા બાદ ચારેય તરફ ધુમાડો ફેલાયો….

Social Share

નવી દિલ્હીઃ દેશની લોકશાહીનું ઘર ગણાતા સંસદ ઉપર 13મી ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ ઘટનાની વરસીના દિવસે જ આજે ફરી એકવાર નવી લોકસભામાં ચોંકાવનારી ઘટના બની હતી. હાલ લોકસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદની કાર્યવાહી ચાલી રહી હતી આ દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી એક વ્યક્તિ અચાનક નીચે કુદી પડ્યો હતો. જે બાદ તેના શુઝ પાસેથી ધુમાડો નીકળ્યો હતો. જેથી સભાપતિ દ્વારા સંસદની કાર્યવાહી બપોરના 2 કલાક સુધી મોકુફ રાખવામાં આવી હતી.

સંસદની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલરીમાંથી એક વ્યક્તિ નીચે કુદી પડતા સાંસદો પણ ચોંકી ઉઠ્યા હતા.  આ દરમિયાન અંદર ઉપસ્થિત સાંસદો તથા સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. તેની પાસેથી કલર બોમ્બ સહિતની કેટલીક વસ્તુઓ મળી આવી હતી. આ ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું. દરમિયાન લોકસભાની બહાર સુત્રોચ્ચાર કરીને કલર બોમ્બ ફોડનાર એક મહિલા સહિત બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બંનેએ સુત્રોચ્ચાર કરીને કલર બોમ્બ ફોડ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર બે વ્યક્તિઓ કાર્યવાહી દરમિયાન ઘુસ્યા હતા. જે પૈકી એકનું નામ સાગર હોવાનું ચર્ચાય રહ્યું છે. બંને સાંસદના નામ ઉપર લોકસભાના વિઝિટર પાસ ઉપર આવ્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું હતું કે, બંને લોકો મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિંહના નામ ઉપર લોકસભા વિઝિટર પાસ લઈને આવ્યા હતા.

સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, બે વ્યક્તિએ પ્રેક્ષક ગેલરીમાંથી કુદયા હતા અને તેમણે કંઈક ફેંક્યું હતું. જેથી ગેસ નિકળ્યો હતો. તેમને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને હવાલે કર્યાં હતા. આમ આ એક સુરક્ષા ઉલ્લંઘન છે. આજે આપણે એ લોકોની પુષ્ણતિથી મનાવી રહ્યાં છીએ જેમણે 2001માં આતંકવાદી હુમલામાં પોતાનું બલિદાન આપ્યું હતું.

આ ઘટનાને પગલે લોકસભાની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયાં છે. ચુસ્ત સુરક્ષાથી ઘેરાયેલી લોકસભામાં અનેક સ્થળો ઉપર તપાસ બાદ પ્રવેશ મળે છે. ત્યારે લોકસભાની કાર્યવાહી વચ્ચે કુદી પડેલી વ્યક્તિ પોતાની સાથે કલર બોમ્બ જેવી વસ્તુ કેવી રીતે લઈને પહોંચ્યો તેને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ઝડપાયેલા શખ્સોની આગવી ઢબે પૂછપરછ આરંભી છે.