દિવાળી પહેલા મોટો ઝટકો,LPG સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત ?
દિલ્હી: મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. નવેમ્બર મહિનો શરૂ થતાં જ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા કરી દીધા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના આ નવા દરો આજથી એટલે કે 1 નવેમ્બર 2023થી લાગુ થઈ ગયા છે. નવા દર લાગુ થયા બાદ હવે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1833 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
એલપીજી સિલિન્ડરની નવી કિંમતો માત્ર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર જ લાગુ થશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 14 કિલોના સિલિન્ડરની કિંમત 929 રૂપિયા છે. જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 902.5 રૂપિયા છે. ચેન્નાઈમાં પણ ઘરેલુ ગેસ સિલિન્ડર 918.5 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.
નોંધનીય છે કે તેલ કંપનીઓએ ગયા મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ વધારો કર્યો હતો. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 1 ઓક્ટોબરથી 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં નવા દર લાગુ થયા બાદ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1731.50 રૂપિયા થઈ ગઈ હતી, જે નવેમ્બરમાં વધેલા દર બાદ હવે 1833 રૂપિયા થઈ ગઈ છે.જો કે, ઓક્ટોબરમાં પણ માત્ર કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.