તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયેલા ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગૂમ છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ ભાળ મળી નથી. અભિનેતાના ગૂમ થવા અંગે તારક મહેતા…શોના પ્રોડ્યુસર અસિત મોદીએ રિએક્ટ કર્યું છે. અસિત મોદીનું આ રિએક્શન ખુબ વાયરલ થઈ રહ્યું છે. અસિત મોદીએ તે સમય પણ યાદ કર્યો જ્યારે ગુરુચરણ સિંહ શોમાં સોઢીની ભૂમિકા ભજવતા હતા.
શું કહ્યું અસિત મોદીએ
ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે ગુરુચરણ સિંહનો બધા સાથે ખુબ સારો વર્તાવ હતો અને બધા સાથે પ્રેમથી વાતચીત કરતા હતા. તેમના શો છોડ્યા બાદ પણ તેઓ સંપર્કમાં રહ્યા. નોંધનીય છે કે ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગૂમ છે. તે દિવસે તેઓ મુંબઈ જવા માટે દિલ્હીથી નીકળ્યા હતા પરંતુ ફ્લાઈટ ન પકડી અને ગૂમ થઈ ગયા.
અસિત મોદીએ વધુમાં કહ્યું કે ‘આ ખુબ જ દર્દનાક અને ચોંકાવનારા સમાચાર છે. તેઓ પોતાના પરિવારને ખુબ પ્રેમ કરતા હતા. તેમણે તેમના માતા પિતાની બધી જવાબદારી પોતાના પર રાખી હતી. અમે ક્યારેય એકબીજા સાથે વધુ પર્સનલ તો નહતા પરંતુ જેટલું પણ તેમના વિશે જાણતો હતો, તે એક ખુબ જ ધાર્મિક વ્યક્તિ હતા. તેમણે કોવિડ દરમિયાન તારક મહેતા…શો છોડ્યો હતો. પરંતુ ત્યારબાદ બાદ પણ અમારી વચ્ચે હંમેશા સારા સંબંધ રહ્યા.’
ક્યારે મળ્યા હતા
અસિત મોદીએ કહ્યું કે ગુરુચરણ હંમેશા હસતા હસતા મળતા હતા. તેમનું ગાયબ થવું એ ખુબ જ ચોંકાવનારું છે. આવું કેમ થયું એ મને નથી ખબર. તપાસ ચાલુ છે, આથી મને વિશ્વાસ છે કે કઈક સારું સામે આવશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ સુરક્ષિત રહે અને પોતાનો ફોન ઉપાડે. અસિત મોદીએ એમ પણ જણાવ્યું કે તેઓ ગુરુચરણ સિંહને લગભગ 6-7 મહિના પહેલા મળ્યા હતા.
પૈસા મુદ્દે શું બોલ્યા
અસિત મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે એવા સમાચાર આવ્યા હતા કે 2020માં તારક મહેતા..છોડ્યા બાદ ગુરુચરણ સિંહને તેમની બાકી નીકળતી રકમ આપવામાં આવી નહતી. જેના પર અસિત મોદીએ કહ્યું કે ‘એવું કશું નહતું. તે કોવિડનો સમય હતો, અને તે આપણા બધા માટે તણાવપૂર્ણ સમય હતો. શૂટિંગ પણ બંધ થઈ ગયું હતું. અમને ખબર નહતી કે શો ચાલુ રહેશે કે નહીં. અમારી આજુબાજુની દુનિયા બદલાઈ રહી હતી. તે આપણા બધા માટે એક કપરો સમય હતો.’
શું છે મામલો
ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ખુબ લોકપ્રિય થયા હતા. જો કે કોવિડમાં તેમણે શો છોડી દીધો હતો. 22 એપ્રિલના રોજ ગુરુચરણ સિંહના પિતાએ પોલીસમાં પુત્ર ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. રિપોર્ટમાં લખાવ્યું હતું કે સવારે 8.30 વાગે એરપોર્ટ ફ્લાઈટ પકડવા માટે ગયો પરંતુ ફ્લાઈટ પકડી નહીં. ન ઘરે આવ્યો કે ન તો તેનો ફોન રિચેબલ છે. તે મેન્ટલી સ્ટેબલ છે. અમે લોકો તેને શોધી રહ્યા છીએ પરંતુ તે લાંબા સમયથી મિસિંગ છે. જો કે પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગૂમ થતા પહેલા દિલ્હીમાં એક એટીએમમાંથી તેમણે 7000 રૂપિયા કાઢ્યા હતા.