- બાઈકસવાર રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારએ ટક્કર મારી,
- હોસ્પિટલમાં લઈ જવાતા બાઈકસવારને મૃત જાહેર કરાયા,
- અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો, અડાલજ સર્કલથી ઉવારસદ તરફ જતાં રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે – ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર આધેડનું માથામાં ગંભીર ઈજાઓ થવાની સાથે પગ પણ કપાઈ જવાથી મોત નિપજતા અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ગાંધીનગરના સેકટર – 30 વીર સાવરકર નગરમાં રહેતા ઉષાબેન ભોસલેના પતિ રધુનાથભાઇ સચિવાલયમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ગઈકાલે રધુનાથભાઇ બાઇક લઇને નોકરી જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. દરમિયાન બપોરના અઢી વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને રધુનાથભાઈ અકસ્માત સર્જાયો હોવાની જાણ કરી હતી. જેનાં પગલે ઉષાબેન તેમના પુત્ર તુષાર અને દીકરી રીતુ સાથે અડાલજ સીએચસી સેન્ટર દોડી ગયા હતા. એ વખતે જાણવા મળેલ કે, ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાની ગાડી ચલાવીને જતો હતો. ત્યારે સામેથી રઘુનાથભાઈ પોતાનું બાઇક લઇ રોડ ક્રોસ કરવા જતા હતા.આ દરમિયાન ગાડીના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં રધુનાથભાઈના માથાના પાછળના ભાગે તથા ડાબા પગે એકસીડન્ટ થવાથી પગ કપાઈ ગયા હતા. જેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે પૂરપાટ ઝડપે કાર હંકારી બાઈકને ટક્કર મારી રધુનાથભાઈનું મોત નિપજાવનાર કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.