Site icon Revoi.in

ગાંધીનગરના પેથાપુર નજીક પૂરફાટ ઝડપે બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈકચાલકનું મોત

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતનો વધુ એક બનાવ પેથાપુર ગિરનારી આશ્રમ પાસે બન્યો હતો. બાઈક ચાલકે પોતાનું બાઇક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા બાઈક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ બનાવમાં પેથાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ગાંધીનગરના પેથાપુર મોટી શેરીમાં રહેતા સાહિલસિંહ ભિખાજી ડાભીનાં નાના ભાઈ અજયનાં દસ દિવસ અગાઉ લગ્ન થયા હતા. ગત તા. 21 મી રાત્રીના સમયે પરિવારજનો ઘરે હાજર હતા. એ વખતે અજય ચોકડીએ જઈને આવું છું કહીને બાઈક લઈ ઘરેથી નિકળ્યો હતો. બાદમાં મોડી રાત થઈ હોવાથી પરિવારજનો સુઇ ગયા હતા. ત્યારે રાતના એકાદ વાગ્યાના અરસામાં સાહિલને તેના પિતરાઈ ભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે, અજયને ગિરનારી આશ્રમ પાસે અકસ્માત સર્જાતા ગંભીર ઈજાઓ થઈ છે. જેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. જેનાં પગલે સાહિલ સહિતના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં અજયને દાઢી તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાનું માલુમ પડયું હતું. અને ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે અજયને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાઈકચાલક અજયે બાઈક પૂરપાટ ઝડપે હંકારતા બાઈક ગિરનારી આશ્રમ પાસેના ડિવાઇડર સાથે અથડાઈ ગયું હતું. જેનાં કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં પેથાપુર પોલીસ પણ સિવિલ દોડી ગઈ હતી. અને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.